ભરૂચ જિલ્લાના ઝઘડિયા તાલુકામાં ઉમલ્લા ગામે ઓવરલોડ વાહનોના કારણે ગ્રામ પંચાયતના પાણીની પાઇપલાઇનમાં ભંગાણ સર્જાતા જતાં છેલ્લા 5 દિવસથી પંથકમાં પાણીનો કકળાટ ઉઠ્યો છે, ત્યારે આજરોજ ભરૂચના સાંસદ મનસુખ વસાવા ઉમલ્લા ગામની મુલાકાતે આવ્યા હતા, ત્યારે મનસુખ વસાવાએ આક્ષેપ કરતાં જણાવ્યુ હતું કે, ઝઘડિયા પંથકમાં ચાલતા ઓવરલોડ રેતીના વાહનો બાબતે જિલ્લા વિકાસ અધિકારી, તાલુકા વિકાસ અધિકારી, RTO સહિત ભૂસ્તર વિભાગ તેમજ રાજપારડી તથા ઉમલ્લા પોલીસની મિલીભગત છે.
ઓવરલોડ વાહનોના કારણે ઉમલ્લા સહિત આસપાસના ગ્રામજનો હેરાન પરેશાન થઈ રહ્યા છે. રાજપીપળાથી લઇ ભરૂચ સુધી રોડની સાઈડમાં રેતીના મોટા મોટા ડુંગરો ખડકી દેવામાં આવ્યા છે. આ બાબતે મનસુખ વસાવાએ જિલ્લા કલેક્ટરનું પણ ધ્યાન દોર્યું હતું. પરંતુ તેમણે પણ કોઈ પગલા નહીં ભર્યા હોવાનો આક્ષેપ મનસુખ વસાવાએ કર્યો છે. જો આ વિસ્તારમાં દોડતા ઓવરલોડ વાહનો બંધ નહીં થાય તો મનસુખ વસાવા દ્વારા જન આંદોલન કરવામાં આવશે અને તેનું નેતૃત્વ તેઓ જાતે પોતે કરશે તેવી પણ સાંસદ મનસુખ વસાવાએ ચીમકી ઉચ્ચારી છે.