મોરબીમાં પુલ તૂટવાની ભયાનક ઘટનાના કારણે દેશભરમાં હાહાકાર મચી ગયો છે ત્યારે ભરૂચમાં આવેલા બે બ્રિજ પણ આવી જ દુર્ઘટના નોતરે એવી દહેશત છે ત્યારે આ બ્રિજનું સમારકામ કરવામાં આવે એવી લોકો માંગ કરી રહ્યા છે.
મોરબીમાં રવિવારની સાંજ ગોઝારી સાબિત થઈ હતી જેમાં ઝુલતો પુલ તૂટી પડતાં 135થી વધુ લોકોના મોત નિપજ્યાં હતા ત્યારે આ પ્રકારની ઘટના ઓદ્યોગીક નગરી ભરૂચમાં પણ ન બને એ માટે તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવે એ જરૂરી છે. ભરૂચ નજીક નેશનલ હાઇવે પર આવેલ જૂનો સરદાર બ્રિજ વર્ષોથી જર્જરિત હાલતમાં છે. આ બ્રિજ પરથી મોટા વાહનોની અવર જવર તો બંધ કરી દેવામાં આવે છે પરંતુ નાના વાહનો એટ્લે કે કાર અને બાઇક લઈને પણ પસાર થઈએ તો ઝૂલતા પુલ પરથી પસાર થતા હોય એવો અહેસાસ થાય છે. આ બ્રિજના જોઇન્ટ વારંવાર ક્ષતિગ્રસ્ત બને છે તો સાથે જ રેલિંગ તૂટવાની પણ સેંકડો ઘટના બની છે ત્યારે સુરક્ષા અને સલામતીના ભાગરૂપે અનેક વખત બ્રિજને વાહન વ્યવહાર માટે બંધ રાખવો પડે છે ત્યારે જર્જરિત બનેલ આ બ્રિજ પણ મોરબી જેવી ભયાનક દુર્ઘટના નોતરી શકે એવી દહેશત વ્યક્ત કરવામાં આવી છે.
આ તરફ ભરૂચ શહેરમાં આવેલ નંદેલાવ ફલાય ઓવરબ્રિજ પણ છેલ્લા ઘણા સમયથી બિસ્માર હાલતમાં છે. આ બ્રિજનો માર્ગ વારાંબાર બિસ્માર બને છે. દહેજને જોડતા માર્ગ પર આ ફલાય ઓવર બ્રિજ હોવાથી વાહનોનું ભારણ પણ આ માર્ગ પર સતત રહે છે. ચાર મહિના પૂર્વે નંદેલાવ ઓવરબ્રિજ પર ફૂટ માર્ગનો કેટલોક ભાગ તૂટીને નીચે પડ્યો હતો તેમ છતા આજદિન સુધી આ બિસ્માર ભાગનું સમારકામ કરવામાં આવ્યું નથી ત્યારે મોટી દુર્ઘટના બને એવી શક્યતા છે ત્યારે આ બ્રિજનું પણ તાકીદે સમારકામ કરવામાં આવે એ જરૂરી છે.