ભરૂચ જીલ્લા સહીત આંતરરાજ્ય વાહન ચોરી અને ઘરફોડ ચોરીમાં સંડોવાયેલ મધ્ય પ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર સહીત 2 આરોપીની અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.
મળતી માહિતી અનુસાર, સુરત LCB પોલીસનો સ્ટાફ પેટ્રોલીંગમાં હતો. તે દરમિયાન સુરત શહેર, ઉમરા, મહિધરપુરા, અડાજણ અને પુણા સહીતના વિસ્તારોમાં 10 જેટલા વાહન ચોરી અને ઘરફોડ ચોરીના ગુનામાં સંડોવાયેલ આરોપી મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં ફરી રહ્યો છે, ત્યારે બાતમીના આધારે સુરત LCB પોલીસે ઇન્દોર પોલીસની મદદ વડે એરપોર્ટ રોડ ઉપર આવેલ ધર્મરાજ કોલોનીમાં રહેતા મધ્યપ્રદેશની કુખ્યાત ઘરફોડ ગેંગના મુખ્ય સુત્રધાર જગદીશ ઉર્ફે કૈલાસ જગ્ગા ઉર્ફે શ્યામ ચૌહાણ તેના સાગરિત સંજય ઉર્ફે હેમંત ઉર્ફે બલ્લુ રમેશ કોલીને ઝડપી પાડી સુરત ખાતે લઇ આવ્યા હતા. જે બન્ને આરોપીઓની પુછપરછ કરતા અંકલેશ્વર શહેર અને બી’ ડીવીઝન પોલીસ મથક હદ વિસ્તારમાં વાહન ચોરીના 7 અને ઘરફોડ ચોરીના 7 ગુનામાં સંડોવાયેલ હોવાની કબુલાત કરતા સુરત LCB પોલીસે અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસનો સંપર્ક કરતા અંકલેશ્વર બી’ ડીવીઝન પોલીસે બન્ને આરોપીઓની ટ્રાન્સફર વોરંટથી અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, મુખ્ય સુત્રધાર જગદીશ ચૌહાણ અંકલેશ્વર, ભરૂચ,મધ્ય પ્રદેશ અને સુરત, વલસાડ તેમજ રાજકોટ, સુરેન્દ્રનગર સહીતના વિસ્તારોમાં અલગ અલગ વાહન ચોરી અને ઘરફોડ ચોરીના 35 જેટલા ગુનામાં સંડોવાયેલ છે, જ્યારે સંજય કોલી ભરૂચ અને અંકલેશ્વર સહીતના વિસ્તારોમાં 23 ગુનામાં સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યું છે.