ભરૂચ જિલ્લાના અંકલેશ્વર-વાલિયા રોડ ઉપર આવેલી સી.એમ.એકેડેમી સ્કૂલમાં ફરી ફીને લઇ વિવાદ સર્જાયો છે. આજરોજ શૈક્ષણિક સત્ર શરુ થતા વાલીઓ વિદ્યાર્થીઓને સ્કૂલ ખાતે મુકવા અને ફી અંગે વાત કરવા માટે આવ્યા હતા. આ દરમ્યાન ફી અંગે આચાર્ય અને શિક્ષક સાથે વાત ચાલતી હોય તે સમયે શાળા સંચાલકો દ્વારા વિદ્યાર્થીઓને બહાર કાઢી મુકી થતાં કેટલાક વિદ્યાર્થીઓને એકાઉન્ટમાં બોલાવી તેઓને વાલીઓને ફોન કરવા કહી ચેક ક્લિયર નહીં થાય ત્યાં સુધી ક્લાસમાં નહીં બેસવા અંગે જણાવ્યુ હતું.
આ સાથે જ શાળામાં કોઈ જવાબદાર અધિકારીઓ નહીં હોવાથી વાલીઓ છેલ્લા 4 વર્ષથી હેરાન પરેશાન થઇ ઉઠ્યા હોવાના આક્ષેપ થયા છે. ઉપરાંત વાલીઓના પ્રશ્નોને હલ કરવાને બદલે વાલીઓ અને વિદ્યાર્થીઓને હેરાનગતિ કરવામાં આવતી હોવાના પણ આક્ષેપ કરવામાં આવ્યા છે. બાળકોને ફી મુદ્દે હેરાન નહીં કરવા મુદ્દે વાલીઓએ માંગ કરી છે. તો શાળા દ્વારા તા. 15મી જૂનના રોજ વાલીઓ સાથે બેઠક કરી પ્રશ્નોનું નિરાકરણ લાવવા ખાતરી આપવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે, વાલીઓ મીડિયાને જાણ કરતા મીડિયાકર્મીઓ શાળા ખાતે કવરેજ માટે પહોચ્યા હતા, ત્યારે તે સમયે મહિલા આચાર્યએ મીડિયા સમક્ષ અપશબ્દો ઉચ્ચારી વાલીઓ પણ અપશબ્દો ઉચ્ચારતા હોવાના આક્ષેપ કર્યા હતા.