અંકલેશ્વરમાં ઓ.એન.જી.સી. બ્રિજની સમારકામની કામગીરીને લઇ ચારેય તરફના માર્ગો ઉપર વાહનોનું ભારણ વધતા ભર ઉનાળે વાહન ચાલકોને તડકામાં શેકાવાનો વારો આવ્યો છે. અંકલેશ્વર શહેર થઇ હાંસોટ ને જોડતા ઓએનજીસી ફ્લાય ઓવરબ્રિજને તોડી ટ્વિન બોક્સ સેલની કામગીરી હાથ ધરવા માટે તારીખ-૨૦મી એપ્રિલથી ૪થી મે સુધી એટલે કે ૧૫ દિવસ બ્રિજ બંધ કરવાનો નિર્ણય લેવાયો છે.
ગતરોજ બ્રિજની કામગીરી શરુ થતા જ ઓએનજીસી ફ્લાય ઓવર બ્રીજ બંધ કરી પતરા લગાવવામાં આવ્યા છે જેને પગલે વાહન ચાલકોને વૈકલ્પિક માર્ગનો ઉપયોગ કરવા જણાવ્યું છે જેને લઈને વાહન ચાલકોમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે ગતરોજ સાંજના સમયે નોકરિયાત વર્ગના છૂટવાના સમયથી સુરવાડી ઓવર બ્રિજના બંને છેડે વાહનોની લાંબી લઇ છેક ચૌટા નાકા સુધી જોવા મળી હતી જયારે પીરામણ નાકાથી હવા મહેલ સુધી પણ વાહનની ભરમાર જોવા મળી હતી
ઓએનજીસી બ્રીજ બંધ કરવામાં આવતા જ અંકલેશ્વર શહેરના ચારેય તરફના માર્ગો ટ્રાફિકજામમાં ફેરવાયા હતા આ સિલસિલો શુક્રવારે સવારે પણ જોવા મળ્યો હતો અંકલેશ્વર-ભરૂચ જુના નેશનલ હાઇવે ઉપર ઓ.એન.જી.સી.બ્રીજ નીચેનો એક ભાગ બંધ કરવામાં આવતા ત્યાં પણ ટ્રાફિકજામના દ્રશ્યો જોવા મળ્યા હતા.બીજી તરફ વાહન ચાલકોએ રાજપીપળા ચોકડીથી ગડખોલ ગામને જોડતા માર્ગનો સહારો લેતા જ તે માર્ગ ઉપર પણ ટ્રાફિકનું ભારણ વધ્યું હતું બીજી તરફ તંત્રએ સમારકામની કામગીરીને લઇ સૂચવેલ વૈકલ્પિક માર્ગો જ હાલ ટ્રાફિકજામમાં ફેરવાયા છે ત્યારે વહેલી તકે આ કામગીરી પૂર્ણ કરવામાં આવે અને રાતે ૧૧થી વહેલી સવારે ૪ કલાક સુધી જ ભારે વાહનોને પ્રવેશ આપવામાં આવે તો જ ટ્રાફિકની સમસ્યા નિવારી શકાશે એવી વાહનચાલકો માંગ કરી રહ્યા છે.