ઉત્તરાયણ પર્વની ઉજવણી બાદ વીજ થાંભલાઓ, વાયરો તથા વૃક્ષો પર ઠેર ઠેર કપાયેલી પતંગો અને દોરાઓ જોવા મળી રહયાં છે. આ પતંગો તેમજ દોરાઓ જોખમી હોવાથી અંકલેશ્વરની એક શૈક્ષણિક સંસ્થાએ આ પતંગો અને દોરાઓ દુર કરવાની કામગીરી કરી હતી..
ઉત્તરાયણ પર્વ પહેલા અને પછી અનેક લોકો પતંગની દોરીથી ઇજા પામ્યાં છે અને હજી પણ વીજ થાંભલાઓ અને વૃક્ષો પર કપાયેલી પતંગો તથા દોરાઓ જોવા મળી રહયાં છે. અંકલેશ્વરની ઇન્ડસ્ટ્રીયલ ફાયર સેફટી એન્ડ મેનેજમેન્ટ એકેડેમીના વિદ્યાર્થીઓએ શહેરમાં વીજ વાયર ઉપરના પતંગના દોરા ઓ અને પતંગો દૂર કરવાની કામગીરી કરી હતી. સંસ્થાના સંચાલક આરીફભાઇ કુરેશીના માર્ગદર્શન હેઠળ આ કામગીરી કરાય હતી.
સંસ્થાના વિદ્યાર્થીઓએ સેફ્ટીના સાધનો સાથે અંકલેશ્વર ત્રણ રસ્તાથી લઈને સ્ટેશન રોડ પર આવેલા વીજ થાંભલા ઉપરના વીજ વાયર ઉપર વીંટળાયેલા પતંગના દોરા તથા પતંગ સહિતની વસ્તુઓને દુર કરી હતી. આ પ્રસંગે પાલિકા પ્રમુખ વિનય વસાવાએ હાજર રહી વિદ્યાર્થીઓની કામગીરીને બિરાદાવી હતી.