અંકલેશ્વર : ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી

પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે.

અંકલેશ્વર : ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીને પોલીસે ઝડપી પાડી
New Update

ભરૂચ જિલ્લાના અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના 4 સાગરીતોની અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના અંકલેશ્વર સહીત ગ્રામ્ય વિસ્તારમાં ખેતીવિષયક વીજ જોડાણમાં વીજ ધાંધીયાની અવારનવાર બૂમો ઉઠી રહી હતી. આ અંગે તપાસ કરતા વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીનું કારસ્તાન સામે આવ્યું હતું. વધતા ગુનાથી ત્રાહિમામ વીજ કંપની, ખેડૂતો અને પોલીસે સમસ્યા હલ કરવા પહેરા ભરવા સુધીની તૈયારીઓ હાથ ધરી હતી. તેવામાં અંકલેશ્વર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં રાત્રીના સમયે ખેતીવિષયક વીજ જોડાણના ટ્રાન્સફોર્મરની ચોરી કરતી ટોળકીના 4 સાગરીતોને અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ઝડપી પાડ્યા છે. ચોરીના બનાવો વધતા જે મિલ્કત સંબધી વણશોધાયેલ ગુનાઓ શોધી કાઢવા ઉપરી અધિકારીઓ તરફથી મળેલી જરૂરી માર્ગદર્શનના આધારે તપાસ શરૂ કરવાંમાં આવતા 4 શખ્સોની ધરપકડ કરી થોકબંધી ગુનાઓનો ભેદ ઉકેલવામાં સફળતા મળી છે.

અંકલેશ્વર એ’ ડિવિઝન પોલીસ સ્ટાફના માણસો નાઇટ પેટ્રોલીંગમાં હતા, તે દરમ્યાન બાતમી મળી હતી કે, “એક સિલ્વર કલરની મહિન્દ્રા TUV ફોર વ્હીલ કારમાં 4 ઇસમો જુનાદીવા ગામની સીમમાં ટ્રાન્સફોર્મર તોડીને તેમાંથી કોપર કોઇલની ચોરી કરીને કોપર કોઇલનો જથ્થો લઇને જુના દીવાથી અંકલેશ્વર તરફ જવા માટે નીકળેલ છે. પોલીસે બાતમીના આધારે અંકલેશ્વરના ભરૂચીનાકા પાસે આવી છુટા છવાયા વોચ તપાસમાં હાજર રહી બાતમી હકિકત મુજબના વર્ણનવાળી TUV ફોર વ્હીલ કાર આવતા તેને કોર્ડન કરી હતી. કારમાં જીતેન્દ્રસિંગ ડરર્ણાસંગ રાવત, જીવરાજસીંગ જગદીશસીંગ રાવત, મેનેજરસીંગ સીતારામસીંગ રાવત અને કરણસીંગ ડુપસીંગ રાવત નામના શખ્સો સવાર હતા.

પોલીસને કારમાં પાછળની ડેકીમાંથી 2 મીણીયા કોથળાઓમાં કોપર કોઇલના ગુંચળા મળી આવ્યા હતા. આ કોપર કોઈલના ગુંચળા બાબતે પુછપરછ કરતા કોઈ સંતોષ કારક જવાબ નહી નહીં મળતા પોલીસે ચારેય શખ્સોને કોપર કોઈલના ગુંચળા બાબતે સઘન યુક્તિ પ્રયુક્તિથી પુછપરછ કરતા ટ્રાન્સફોર્મર તોડી ચોરી કર્યાની કબુલાત કરી હતી, ત્યારે હાલ તો અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસે ચારેય શખ્સોની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે, જ્યારે શીતલ ઉર્ફે રમેશ રૂપલાલ ગુર્જર, સુરેશસિંગ અને ગોવર્ધન રાવત નામના 3 ઈસમોને વોન્ટેડ જાહેર કરી તેઓની શોધખોળ સહિત ધરપકડના ચક્રો ગતિમાન કર્યા છે. અત્રે ઉલ્લેખનીય છે કે, અંકલેશ્વર શહેર એ’ ડિવિઝન પોલીસની તપાસમાં ટોળકી દ્વારા આચરાયેલા 2 સિઝન કરતા વધુ ગુનાઓનો ભેદ ઉકેલાયો છે. પોલીસે કુલ 27 ગુનાઓની ક્રિમીનલ હિસ્ટ્રી બહાર કાઢી છે. ઝડપાયેલ આરોપીઓની પૂછપરછના આધારે ફરાર આરોપીઓના લોકેશન તેમજ ચોરીના મુદ્દામાલની રિકવરી માટે તપાસ શરૂ કરવામાં આવી છે.

#Ankleshwar #agricultural power connection #transformers #police #stealing #gang
Here are a few more articles:
Read the Next Article