અંક્લેશ્વર ઔધોગિક વસાહતમાં આવેલ રસ્તાઓનું રૂ. 32 કરોડથી વધુના ખર્ચે નવીનીકરણ કરવા માટેની મંજૂરી મળતા અંકલેશ્વર ઔધોગિક વસાહતની મુશ્કેલીઓનું નિવારણ થશે તેવી આશા અંકલેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખે વ્યક્ત કરી હતી. અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહત ખૂબ જ વિશાળ હોવા સાથે આશરે 150 કીલોમીટર ઉપરાંતના પાકા રસ્તા આવેલા છે. જેની મરામત અને નવીનીકરણ માટે ખૂબ જ મોટું આર્થિક ભારણ આવે તેમ હતું.
જેથી રાજ્યમાં ઔદ્યોગિક વિકાસ માટે જરૂરી આંતર માળખાકીય સવલતોના વિકાસ અને અપગ્રેડેશન માટે ઔદ્યોગિક નીતિ 2020 અંતર્ગત ઇન્ડસ્ટ્રીયલ ઇન્ફ્રાસ્ટ્રકચરને સહાય યોજના અંતર્ગત નોટીફાઇડ એરીયા ઓથોરીટીમાં આવતા હયાત રોડના સ્ટ્રેન્કીંગ માટે અંકલેશ્વર ઇન્ડસ્ટ્રિયલ એસોસીએશન દ્વારા સરકારના ઇન્ડસ્ટ્રીઝ એન્ડ માઇન્સ ડીપાર્ટમેન્ટ, ઉદ્યોગ કમિશ્નરની કચેરી, રાજ્યના મુખ્યમંત્રી અને ઉદ્યોગ મંત્રીને વારંવાર રજૂઆત કરવામાં આવી હતી, ત્યારે આ રજૂઆતોને ધ્યાને લઇ રાજ્ય સરકારની સ્ટેટ લેવલ એમ્પાવર્ડ કમિટી દ્વારા રૂ. 32 કરોડથી વધુના ખર્ચે રોડ રસ્તાના નવીનીકરણ માટે મંજૂરી આપવામાં આવી છે. આ સહાયના કારણે અંક્લેશ્વર ઔદ્યોગિક વસાહતના ઘણા ખરા માર્ગોનું નવીનીકરણ થશે અને આ વિસ્તારના લોકોને પડતી મુશ્કેલીઓનું નિરાકરણ આવશે તેમ અંક્લેશ્વર ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનના પ્રમુખ રમેશ ગબાણીએ વ્યક્ત કરી હતી.