અંકલેશ્વર: હવા મહલ પાસે ટેમ્પા ચાલકે રિક્ષાને મારી ટક્કર, રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત

New Update
અંકલેશ્વર: હવા મહલ પાસે ટેમ્પા ચાલકે રિક્ષાને મારી ટક્કર, રીક્ષામાં સવાર એક વ્યક્તિનું મોત

અંકલેશ્વરના હવા મહેલ પાસે જુના નેશનલ હાઇવે ઉપર રીક્ષાને ટેમ્પો ચાલકે ટક્કર મારતા રીક્ષામાં સવાર ફેરિયાનું ઘટના સ્થળે જ ગંભીર ઈજાઓને પગલે મોત નીપજ્યું હતું જયારે બેને ઈજાઓ પહોંચી હતી

અંકલેશ્વરના ભાટવાડ વિસ્તારમાં આવેલ અધનાન એપાર્ટમેન્ટમાં રહેતા અસ્લમ સલીમ શેખ પોતાની રીક્ષા નંબર-જી.જે.૧૬.વાય.૬૭૨૨ લઇ મિત્ર કરીમ યાકુબ ખોજા અને તેના ભાઈ અલ્તાફ યાકુબ ખોજા સાથે સંજાલી સોમવારી હાટ બજારમાં ચપ્પલ વેચવા ગયા હતા જેઓ ત્યાંથી સાંજના સમયે પરત ઘરે આવી રહ્યા હતા તે વેળા રીક્ષામાં ગેસ નહી હોવાથી મારુતિ સુઝુકી શો રૂમ પાસેના સી.એન.જી.પંપ ખાતેથી ગેસ પુરાવી અંકલેશ્વરના હવા મહેલ પાસે જુના નેશનલ હાઇવે ઉપર માર્ગ ઓળંગી રહ્યા હતા.

તે દરમિયાન હાઇવે તરફથી પુરપાટ ઝડપે ધસી આવેલ ટેમ્પો નંબર-જી.જે.૧૬.એ.ડબ્લ્યુ.૦૧૫૬ના ચાલકે રિક્ષાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો આ અકસ્માતમાં રીક્ષામાં બેઠેલ બંને સગાભાઈઓને ઈજાઓ પહોંચી હતી ઈજાઓને પગલે ઈજાગ્રસ્ત કરીમ ખોજાનું ઘટના સ્થળે જ કરુણ મોત નીપજ્યું હતું.

જયારે ઈજાગ્રસ્ત અલ્તાફને સારવાર માટે ખસેડવામાં આવ્યો હતો અકસ્માત અંગે બી ડીવીઝન પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.

Latest Stories