/connect-gujarat/media/post_banners/af8591646048f2cdea5923d2181e6cee33a1138fa30fa1289d5c0a45d869dcf5.jpg)
ઉનાળાની આકરી ગરમીમાં શીતળતા પ્રદાન કરતી તાડફળીનું ભરૂચ અને નર્મદા જિલ્લાના માર્ગો પર ધૂમ વેચાણ શરૂ થઇ ગયું છે, ત્યારે અંકલેશ્વરના જૂના દીવા ગામના આદિવાસી પરિવારો માટે તાડફળી આજિવિકાનું પૂરક સાધન પણ બન્યું છે.
ભરૂચ અને નર્મદા જિલ્લાના આદિવાસી પંથકમાં તાડના વિપુલ પ્રમાણમાં વૃક્ષો છે. આ ઝાડ ઉનાળામાં તાડફળી (ગલેલી)નું મીઠું ફળ આપે છે. જે ગરમીમાં અકસીર હોય જેથી ગરમી કાપવા લોકો ભરપેટ આ ફળને આરોગે છે. જેને પગલે જિલ્લામાં આ ફળની મોટાપાયે આવક થતાં વેચાણ અને ખરીદી બન્ને વધી છે. તાડનું વૃક્ષ શિયાળામાં આરોગ્યપ્રદ નીરો આપે છે, જ્યારે ઉનાળામાં તાડફળી આપે છે. જેમાં 90 ટકા પાણી હોય છે. શિક્ષિત બેરોજગારો આ ફળને તોડી રાજપીપળા, ભરૂચ, અંકલેશ્વર, વડોદરા, સુરત સહિતના માર્ગો પર બેસીને વેચે છે, ત્યારે અંકલેશ્વરના જૂના દીવા ગામના આદિવાસી પરિવારો માટે પણ તાડફળી આજિવિકાનું પૂરક સાધન પણ બન્યું છે. જોકે, શરીરના તમામ અવયવોને તરલતા બક્ષતી તાડફળીનો ભાવ પણ ગરમીના પારાની જેમ ઉંચકાઇ રહ્યો છે. છેલ્લા 15 વરસથી તાડફળીનો વેપાર કરતાં દિનેશ વસાવાએ જણાવ્યુ હતું કે, આ વર્ષે 600 રૂ. ભાવ છે, જ્યારે વેપારીઓ 700 રૂપિયામાં ખરીદે છે. જોકે, આ વર્ષે કેરીનો પાક ઓછો હોવાથી તાડફળીની માંગમાં પણ વધારો થયો છે, ત્યારે હાલ ઉનાળાની મોસમમાં રોજની કેટલીય કિલો તાડફળીનું વેચાણ કરી જૂના દીવા ગામના આદિવાસી પરિવારો પૂરક રોજગારી મેળવી રહ્યા છે.