ભરૂચ જિલ્લાના અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન અને હેલ્પલાઇન ગ્રુપના સહયોગથી ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે અંકલેશ્વરના પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામોમાં અસરગ્રસ્તોને સહાય સામગ્રીના વિતરણ થકી સેવાયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
ગત તા. 17 અને 18 સપ્ટેમ્બરના રોજ નર્મદા નદીમાં આવેલા ભારે પૂરના કારણે ભરૂચ જિલ્લાના અનેક ગામોમાં પાણી ફરી વળ્યા હતા. સરદાર સરોવર નર્મદા ડેમમાંથી 18 લાખ ક્યુસેક પાણી નર્મદા નદીમાં છોડી મુકવામાં આવતા લોકોએ વિનાશક પૂરનો ભોગ બનવાનો વારો આવ્યો છે. ભરૂચ જીલ્લાના 3 તાલુકાના 35થી વધુ ગામો અને ભરૂચ-અંકલેશ્વરની 200થી વધુ સોસાયટીઓમાં રહેતા હજારો પરીવાર પર તેની અસર થઈ છે. પૂરના પાણીના કારણે હજારો લોકોની ઘરવખરી, ખેડૂતોની ખેતપેદાશો સહિત પશુપાલકોના પશુઓના જાનમાલને પણ મોટું નુકશાન થયું છે, ત્યારે ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા સ્વૈચ્છિક સંસ્થાઓના સહયોગથી અંકલેશ્વરના પૂર અસરગ્રસ્ત વિસ્તારોમાં છેલ્લા કેટલાક દિવસોથી સેવયજ્ઞનો પ્રારંભ કરવામાં આવ્યો છે.
જેમાં અંકલેશ્વરના પ્રોલાઈફ ફાઉન્ડેશન અને હેલ્પલાઇન ગ્રુપને સાથે રાખી અંકલેશ્વર શહેરના કેટલાક પૂરગ્રસ્ત વિસ્તારો તેમજ નદી કાંઠાના ગામો જેવા કે, શક્કરપોર ભાઠા, બોરભાઠા બેટ, જૂના બોરભાઠા બેટ, ખાલપિયા સહિતના ગામોમાં અસરગ્રસ્તોને રસોડાના વાસણો, પાણી સંગ્રહ કરવાના સાધનો, કપડાં, પગરખાં, દૂધ તેમજ 400થી વધુ તાડપત્રી સહિતની સામગ્રીનું વિતરણ કરવામાં આવ્યું હતું. ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા દ્વારા પૂરગ્રસ્ત વિસ્તારોમાં સેવાકાર્ય માટે અલગ અલગ ટીમો બનાવી અધિકારીઓને કામગીરી કરવા જવાબદારી સોંપવામાં આવી છે.
જેના ભાગરૂપે ડેપ્યુટી કલેક્ટર નૈતિકા પટેલ, તેમજ હાંસોટ મામલતદાર હાર્દિક બેલડીયા દ્વારા અંકલેશ્વરના કાંઠા વિસ્તારોમાં સહાય સામગ્રીનું વિતરણ કરવામાં આવી રહ્યું છે. તો બીજી તરફ, આ સેવાકાર્યમાં અંકલેશ્વર હેલ્પલાઈન ગ્રુપના યુવાનો વહેલી સવારથી જ કીટ બનાવવાનું કાર્ય શરૂ કરે છે. જે કીટનું વિતરણ કાર્ય વહીવટી તંત્રને સાથે રાખીને કરવામાં આવે છે. આ સેવાયજ્ઞમાં સૌથી વધુ યોગદાન આપનાર એવા ડેપ્યુટી કલેક્ટર નૈતિકા પટેલ, અંકલેશ્વરના ધારાસભ્ય ઈશ્વરસિંહ પટેલ, પ્રોલાઈફ ફાઉન્ડેશનના પ્રમુખ કરણસિંઘ જોલી, હાંસોટ મામલતદાર હાર્દિક બેલડીયા સહિત ભાજપના કાર્યકરો તેમજ મોટી સંખ્યામાં અંકલેશ્વરના હેલ્પલાઈન ગ્રુપના સભ્યો ઉપસ્થિત રહ્યા હતા.