/connect-gujarat/media/post_banners/ca51497dbc39cda9550cbd1e7093e5d761d69fda044739ebad854b8ec92227c4.jpg)
અખિલ હિંદ મહિલા પરિષદ-અંકલેશ્વર તથા ઇનરવ્હીલ ક્લબ-અંકલેશ્વર દ્વારા અંકલેશ્વર શહેર તથા આસપાસના વિસ્તારમાં ઘરે ઘરેથી સુકો કચરો એકત્ર કરી તેને રિસાયકલ કરવાનું અનોખુ અભિયાન શરૂ કરવામાં આવ્યું છે.
મિત્રો, તમારા ઘરમાં સુકો કચરો જેવો કે, તુટેલા પ્લાસ્ટિકના ડબ્બા, બોટલો, થેલીઓ, રેપર્સ, પૂઠાં, કાગળ જેવા વિવિધ પ્રકારનો તમામ કચરો હવે તમે ફેંકી ન દેતા, પરંતુ તેને ભેગો કરજો. જે કચરો હવે તમારા ઘરેથી મહિલા પરિષદ-અંકલેશ્વર તથા ઇનરવ્હીલ ક્લબ-અંકલેશ્વરના સભ્યો લઈ જશે. તો સાથે જ તેના વજનના હિસાબે તમને પૈસા પણ ચુકવશે. જેથી આમ નકામો ફેંકી દેવા યોગ્ય કચરો પણ હવે તમને કમાણી કરાવશે, ત્યારે અંકલેશ્વર શહેરની જે.એન.પીટીટ લાયબ્રેરી ખાતે અંકલેશ્વર નગરપાલિકાના પ્રમુખ વિનય વસાવા અને કારોબારી સમિતીના ચેરમેન સંદિપ પટેલની વિશેષ ઉપસ્થિતિમાં આ સુંદર અને અનોખા અભિયાનનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.
આ પ્રસંગે અખિલ હિંદ મહિલા પરિષદ-અંકલેશ્વરના પ્રમુખ ડૉ. લતા શ્રોફ અને ઇનરવ્હીલ-અંકલેશ્વરના પ્રમુખ સંધ્યા મિશ્રાએ સૌ આમંત્રિત મહેમાનોને આવકાર્યા હતા. તો સાથે જ આ અભિયાન કઇ રીતે હાથ ધરાશે તેની રૂપરેખા પ્રોજેક્ટ સંચાલક દક્ષા શાહે દર્શાવી હતી. વોર્ડ નં. ૩ના ઉપસ્થિત સભાસદો અક્ષેશ પટેલ, મનીષા પટેલ તથા હિરલ પટેલે આ આભિયાનની શુભ શરૂઆત પોતાના જ વોર્ડ નં. ૩થી કરવામાં સહાયક બનવા સંમતિ દર્શાવી હતી. આ અભિયાન વિશે માહિતી આપતી એક નાનકડી નાટિકા પણ દર્શાવવામાં આવી છે.
જોકે, આ નાટકને સોશિયલ મીડિયા તેમજ ઈલેક્ટ્રોનિક મીડિયામાં પ્રસારણ કરી લોકોમાં જાગૃતિ લાવવાનો પણ પ્રયાસ કરવામાં આવી રહ્યો છે. આ તકે અંકલેશ્વર નગરપાલિકા પ્રમુખ વિનય વસાવાએ નગરપાલિકા દ્વારા તમામ સહાય કરી આ અભિયાનને જનઆંદોલન કરવા પ્રતિબદ્ધતા દાખવી હતી. તો સાથે જ તમાકુના સેવન વિરુદ્ધ જનજાગૃતિ ફેલાવવાના ભાગરૂપે ઇનરવ્હીલ ક્લબ દ્વારા તૈયાર કરેલ બેનરને પ્રદર્શિત કરવામાં આવ્યું હતું, ત્યારે સમગ્ર અભિયાન સફળતાપૂર્વક પાર પડે તે માટે મીરા પંજવાણીએ બન્ને સંસ્થાના સભ્યોને શુભેચ્છાઓ પાઠવી છે.