જૂના ભરૂચના નવાડેરા વિસ્તાર સ્થીત દત્ત મંદિર ખાતે ભરૂચ દત્તોપાસક પરિવાર દ્વારા દત્ત જયંતિની દબદબાભેર ઉજવણી સહિત વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું.
ગુજરાતી પંચાંગ અનુસાર માગશર સુદ પૂર્ણિમાના દિવસે દત્ત જયંતી ઉજવવામાં આવે છે, ત્યારે આ વખતે આ તિથિ તા. 7 ડિસેમ્બર, બુધવારના રોજ હોવાથી દત્ત જયંતીની ઉજવણી કરવામાં આવી હતી. માન્યતા અનુસાર માગશર સુદ પૂનમનો જ દિવસ હતો કે, જ્યારે ત્રિદેવે દત્તાત્રેય સ્વરૂપે, ઋષિ અત્રિ અને અનસૂયાને ત્યાં અવતરણ કર્યું હતું, અને એટલે જ આ દિવસે પ્રભુ દત્તાત્રેયનો જન્મદિવસ ઉજવવામાં આવે છે. ભગવાન દત્તાત્રેય વિશે એવું કહેવામાં આવે છે કે, જો તેમના ભક્તો સંકટની ઘડીમાં તેમને દિલથી યાદ કરે છે, તો તેઓ ચોક્કસપણે તેમની મદદ માટે પહોંચી જાય છે. એવી પણ માન્યતા છે કે, ભગવાન દત્તાત્રેય ગંગા સ્નાન માટે આવે છે, તેથી ગંગા મૈયાના તટ પર દત્ત પાદુકાની પૂજા કરવામાં આવે છે. ભગવાન દત્તાત્રેયની પૂજા મહારાષ્ટ્રમાં ધૂમધામથી કરવામાં આવે છે. તેમને ગુરૂના રૂપમાં પૂજવામાં આવે છે. દત્તાત્રેયને ત્રિદેવ એટલે કે બ્રહ્મા, વિષ્ણુ અને મહેશનું સ્વરૂપ માનવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે, દત્તાત્રેયે 24 ગુરુઓ પાસેથી શિક્ષણ મેળવ્યું હતું. દત્તાત્રેયના નામે દત્ત સંપ્રદાયનો ઉદ્દભવ થયો. દત્તાત્રેય ભગવાનની જન્મજયંતી નિમિત્તે ભરૂચ શહેરના નવાડેરા વિસ્તાર સ્થિત દત્ત મંદિરે પ્રભાતફેરી, પાદુકા પૂજન અને ભંડારા સહિતના વિવિધ ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે મોટી સંખ્યામાં ભક્તોજનોએ ઉપસ્થિત રહી મહાપ્રસાદીનો લ્હાવો લીધો હતો.