ABG શીપયાર્ડ કંપનીના એમડી ઋુષિ અગ્રવાલે બેંકોનું 22 હજાર 842 કરોડ રૂપિયાનું દેવાળુ ફુંકી નાંખ્યું છે. કંપનીના ભરૂચના દહેજ ખાતે આવેલાં પ્લાન્ટમાં ફરજ બજાવતાં 450 જેટલા કર્મીઓને 5 વર્ષથી પગાર ચુકવાયો ન હોવાનું બહાર આવ્યું છે. એબીજી ગૃપની કંપનીને 28 બેંકો અને નાણાંકીય સંસ્થાઓ પાસેથી ધિરાણ મેળવી રૂ.22,842 કરોડની છેતરપિંડી કરી હોવાની ફરિયાદ કરવામાં આવી છે. એબીજી કંપનીએ સુરતના હજીરા બાદ 2006માં ભરૂચના દહેજ બંદર ખાતે પ્લાન્ટ નાંખ્યો હતો.
આ પ્લાન્ટમાં લખીગામના કેટલાય ખેડુતોએ તેમની ખેતીલાયક જમીન ગુમાવી હતી. પ્લાન્ટ જયારે ધમધમતો હતો ત્યારે તેમાં 500થી વધારે કર્મચારીઓ ફરજ બજાવતાં હતાં. આ કર્મચારીઓને છેલ્લા 5 વર્ષથી પગાર ચુકવવામાં જ આવ્યો નથી તેમ અગ્રણીઓએ જણાવ્યું હતું. સુનિલ જૈન તેમજ અશ્વિન પટેલે જણાવ્યું હતું કે, એબીજી શીપયાર્ડમાં અમે ફરજ બજાવતાં હતાં પણ અમને છેલ્લા 5 વર્ષથી પગાર ચુકવવામાં આવી રહયો નથી. આ બાબતે અમે કોર્ટના દ્વાર ખખડાવીશું.