ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત 'આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પમાં અંદાજીત 150 લોકોએ રક્તદાન કર્યું હતું.
સંવત 1881ના કારતક સુદ 12ના દિવસે ભગવાન શ્રી સ્વામિનારાયણે પોતાના વરદ હસ્તે સંપ્રદાયના મુખ્ય કેન્દ્રસ્થાન એવા વડતાલધામમાં શ્રી લક્ષ્મીનારાયણ દેવ, શ્રી હરિકૃષ્ણ મહારાજ, શ્રી રાધાકૃષ્ણ દેવ, શ્રી ધર્મદેવ, શ્રી ભક્તિમાતા સહિત શ્રી વાસુદેવ નારાયણની સ્થાપના કરી હતી. જેના 200 વર્ષ પૂર્ણ થતા હોય અને સાથે સાથે શ્રી લક્ષ્મીનારાયણ દેવ ગાદીના પીઠાધિશ્વર 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજના પ્રાગટ્યના 75 વર્ષ થયા છે. જેના અનુસંધાને સંપ્રદાયના દેશ-વિદેશમાં વસતા શ્રી ધર્મકુળ આશ્રિત ભક્તો દ્વારા, વડતાલધામ દ્વિશતાબ્દી મહોત્સવ અને આચાર્ય મહારાજના પ્રાગટ્ય અમૃત મહોત્સવ વર્ષ ઉજજવામાં આવી રહ્યા છે. જેમાં અનેક ગામો- શહેરોમાં ભાવિક ભક્તો દ્વારા વિવિધ ધાર્મિક, ઉત્સવો અને અનુષ્ઠાનના આયોજન કરાઈ રહ્યા છે, ત્યારે 1008 આચાર્ય અજેન્દ્રપ્રસાદજી મહારાજની પ્રેરણાથી 7 દેશોમાં એક જ સાથે 115 ઉપરાંત વિવિદ્ધ સ્થળોએ આંતર રાષ્ટ્રીય મહારક્તદાન કેમ્પ યોજાયા હતા. જેના ભાગરૂપે ભરૂચના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત પાટીદાર સમાજની વાડીમાં સ્વામિનારાયણ સંપ્રદાય દ્વારા આયોજિત આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. 'આંતરરાષ્ટ્રીય મહારકતદાન કેમ્પ દરમ્યાન 150 જેટલા યુનિટ રક્ત એકત્ર કરવામાં આવ્યું હતું.