/connect-gujarat/media/post_banners/8a9febd97334453f5f1468b3c44aed1bbade98aa7097dc69187a3503bf479168.jpg)
શ્રાવણ માસમાં ભગવાન શિવજીના પૂજન અર્ચનનું અનેરું માહત્મ્ય રહેલું છે, ત્યારે ભરૂચ તાલુકાની પૂર્વ પટ્ટી પર પાવન નર્મદા નદીના તટે આવેલ અંગારેશ્વર ગામના મંગળનાથ મહાદેવની દર મંગળવારે પુજા કરવામાં આવે છે, જ્યાં મંગળદોષ દૂર કરવા માટે શ્રાવણ માસમાં ખાસ મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટી પડે છે.
મંગળનાથ મહાદેવના પ્રાગટ્ય વિષેની એક એવી કથા પ્રચલિત છે કે, સતયુગમાં મહાન તપસ્વી અંગારક ઋષિની જન્મ કુંડળીમાં મંગળ ગ્રહનો દોષ હતો, પરિણામે તેમને પૂજન-અર્ચન, જપ-તપ કે, સાધના જેવા અનેક ધર્મ કાર્યો કરવામાં પણ વિધ્ન આવતા હતા. આ વિધ્નના નિવારણ અર્થે અંગારક ઋષિએ અહી નર્મદા નદીના ઘાટ ઉપર મંગળ દોષ નિવારણ અર્થે શિવજીની આરાધના કરી હતી. જેના કારણે ધાટનું નામ અંગારક ઘાટ અને ગામનું નામ અંગારેશ્વર રાખવામાં આવ્યું છે. અંગારક ઋષિની તપસ્યાના કારણે પ્રસન્ન થયેલ શિવજીએ અંગારક ઋષિના મંગળ દોષનું નિવારણ કરવા સાથે વરદાન આપ્યું હતું કે, અહી પાંચ વસ્તુથી જે કોઈ પૂજા-અર્ચના કરશે તેના મંગળ દોષનું નિવારણ થશે. આમ, અહી બિરાજમાન શિવજી આજે કળયુગમાં પણ મંગળનાથ મહાદેવના નામે પુંજાય છે.
મંગળ ગ્રહની ઉત્પત્તિ વિશે શિવપુરાણમાં પણ આલેખાયું છે કે, અસંખ્ય વર્ષો સુધી સમાધીમાં લીન રહેલા ભગવાન શંકરે જ્યારે સમાધિ છોડી, ત્યારે કઠોર તપસ્યાના કારણે તેમના લલાટ ઉપર ઉદ્દભવેલ પરસેવાનું ટીપું પૃથ્વી પર પડતાં તેણે મનોહર આકાર લાલ વર્ણ અને ચાર ભુજાવાળા બાળકનું સ્વરૂપ ધારણ કર્યું હતું. નર્મદા પુરાણની કથા અનુસાર, નર્મદા નદીના અંગારક ઘાટ આગળ આવેલા આ શિવાલયને મંગળનાથ મહાદેવના નામથી ઓળખાય છે. નર્મદા પુરાણના રેવાખંડ શ્લોક નંબર ૧૪૮માં મંગળનાથ તીર્થના મહિમાનું વર્ણન કરાયું છે. તમામ શિવ મંદિરોમાં શિવલિંગ ઉપર એક નાગ હોય છે, જ્યારે અહીં નાગ-નાગણનું જોડું બિરાજમાન છે. તે ઉપરાંત સોમવારે પૂજાતા શિવજી અહીં મંગળવારે પૂજાય છે. અંગારેશ્વર ગામના મંગળનાથ મહાદેવનો અનેરો મહિમા હોવાથી અંગારકી ચોથ તેમજ પવિત્ર શ્રાવણ માસના દર મંગળવારે શ્રધ્ધાળુઓ અનેરી શ્રધ્ધા સાથે ઉમટતા હોય છે.