ભરૂચ શહેરમાં રાણા પંચ દ્વારા દર વર્ષે યોજાતી ધાર્મિક યાત્રાના ભાગરૂપે સમાજના 54 કાર્યકરો તિરૂપતિ ભગવાનના દર્શન કરવા રવાના થયા હતા, ત્યારે તમામ કાર્યકરોને શુભેચ્છકો હાજર રહીને પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી.
ભરૂચ શહેરના ફાટા તળાવ વિસ્તારમાં આવેલ રાણા પંચ દ્વારા સમાજના લોક ઉત્થાન, શૈક્ષણિક, અનેક લોક સેવાઓ અને ધાર્મિક કાર્યક્રમો સમાજના આગેવાન સનત રાણાની રાહબારી હેઠળ કરવામાં આવે છે. રાણા પંચ દ્વારા શરદ પૂનમના દીવસે આરોગાતી ઘારી સમગ્ર જિલ્લામાં પ્રખ્યાત છે. સમાજના આગેવાનો અને કાર્યકરો દ્વારા ઘારીના વેચાણમાંથી થતી બચતમાંથી સમાજ સેવાના અનેક કાર્યો કરવામાં આવે છે, જ્યારે પ્રતિ વર્ષ સમાજના કાર્યકરો માટે ધાર્મિક પ્રવાસોના પણ આયોજનો કરાય છે. જેના ભાગરૂપે આ વર્ષે રાણા પંચ તરફથી તિરૂપતિ ભગવાનના દર્શન પ્રવાસનું આયોજન કરાયું છે. ભરૂચ રેલ્વે સ્ટેશન પરથી મદુરાઈ એક્સપ્રેસ ટ્રેન મારફતે 54 કાર્યકરો આગેવાન સનત રાણાની આગેવાનીમાં રવાના થયા હતા. આ પ્રસંગે ભરૂચના સામાજિક કાર્યકર અને ભાજપના જિલ્લા ઉપપ્રમુખ દિવ્યેશ પટેલે ઉપસ્થિત રહી સનત રાણા સહિતના કાર્યકરોને પ્રવાસની શુભેચ્છાઓ પાઠવી હતી. રાણા સમાજના આગેવાન સનત રાણાએ જણાવ્યું હતું કે, અમે અગાઉ કાર સેવક તરીકે અયોધ્યા પહોંચી 14 દિવસ જેલમાં રહ્યા હતા, ત્યારે અમે સંકલ્પ કર્યો હતો કે જ્યારે રામ મંદિર નિર્માણ પામશે ત્યારે રામ મંદીરના દર્શન કરવાનું પણ આયોજન કરવામાં આવ્યું છે.