/connect-gujarat/media/post_banners/94d7d22cfeab8ed8818560af8625870bebbffd21b5ed5e1833ce2650b99a5a8a.jpg)
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જિલ્લા સમાહર્તા ડો. તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણ કાર્યક્રમ યોજાયો હતો.
આજરોજ ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર હોલ ખાતે જીલ્લા વહિવટી તંત્રના નેજા હેઠળ પૂરથી અસરગ્રસ્ત વાણિજ્યિક એકમોને પૂર સહાય વિતરણનો કાર્યક્રમ જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાના અધ્યક્ષસ્થાને યોજાયો હતો. આ પ્રસંગે, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચના ઘારાસભ્ય રમેશભાઈ મિસ્ત્રી, જિલ્લા વિકાસ અધિકારી પી. આર. જોષી, અધિક નિવાસી કલેકટર એન.આર. ધાંધલ, જિલ્લા પંચાયત કારોબારી અધ્યક્ષ ધર્મેશભાઈ મિસ્ત્રી વગેરે ઉપસ્થિત રહ્યા હતા. આ તબક્કે, મહાનુભાવોના હસ્તે વિવિધ વિસ્તારનાં વેપારી વર્ગને સહાયના મંજૂરી પત્રો એનાયત કરવામાં આવ્યો હતા. કાર્યક્રમના અધ્યક્ષસ્થાનેથી જિલ્લા સમાહર્તા તુષાર સુમેરાએ પ્રાસંગિક ઉદબોધન આપતા જણાવ્યું હતું કે, જિલ્લા વહીવટી ટીમના તમામ અધિકારીઓ અને પદાધિકારીઓના સહિયારા પ્રયત્નો અને રાઉન્ડ ધ ક્લોક ચાલતી કામગીરી થકી મુશ્કેલ ઘડીને આપણે પાર પાડી હતી. આ તબક્કે કામ કરનાર તમામ અધિકારી અને કર્મચારીઓ આભાર માની, તમામની કામગીરીને બિરદાવી હતી.
રાજ્ય સરકારે જાહેર કરેલા પેકેજ સામે અસરગ્રસ્ત ભરૂચના વેપારી વર્ગને જિલ્લા વહીવટીતંત્રએ ઘર સુધી પહોચીને ઓછામાં ઓછા ડોક્યુમેન્ટ સાથે મદદ પહોચાડી કામગીરી પૂર્ણ કરી હતી.જેના તમામ લાભો આજના એક જ કાર્યક્રમથી લાભાર્થીઓના એકાઉન્ટમાં DBT માધ્યમથી ચુકવણું કરવામાં આવી રહ્યું છે. જેમાં જિલ્લાના ૧૬૦૦ જેટલા લોકોને ૪ કરોડથી પણ વઘારે રકમનું ચુકવણું કરવામાં આવ્યું હતું.
તેમણે એમ પણ ઉમેર્યું હતું કે, કોઈ પણ ડીઝાસ્ટરની ઘટનાં આપણાં હાથમાં નથી હોતી પણ તેના બાદની સ્થિતિને પહોંચી વળવાનું કામ આપણા હાથમાં છે ત્યારે ભરૂચનો તમામ નાગરિક અને વહીવટીતંત્ર આ બનાવ સાથે જોડાઈને પોતાથી થતી મદદ કરી સમાજને ઊભો કરવા પ્રયાસ કર્યો છે ત્યારે આ તબકકે તમામનો આભાર માન્યો હતો.
આ કાર્યક્રમમાં વહીવટી તંત્રના તમામ અધિકારીઓ, ધારાસભ્યો, જનરલ મેનેજર શ્રીડીઆઈસી ભરૂચ, લીડ બેંક મેનેજર, વેપારી મંડળના પ્રમુખ ઇમ્હિયાઝ પટેલ અને મોટી સંખ્યામાં જિલ્લાના લોકો ઉપસ્થિત રહ્યા હતા.