Connect Gujarat
ભરૂચ

ભરૂચ : ભાદરવાના પ્રથમ દિવસે જિલ્લામાં મેઘરાજાની સવારી, વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક

X

ભરૂચ જિલ્લામાં ઘણા સમયથી હાથતાળી આપી રહેલાં મેઘરાજા ભાદરવા મહિનાના પ્રથમ દિવસે મન મુકીને વરસ્યાં હતાં. વરસાદી ઝાપટાઓને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી જતાં લોકોને કાળઝાળ ગરમીથી રાહત મળી હતી.

ગુજરાતમાં ચાલુ વર્ષે ઓછો વરસાદ થવાના કારણે દુષ્કાળના ડાકલા વાગી રહયાં છે. આવા સંજોગોમાં હવે મેઘરાજા ભાદરવા મહિનામાં મન મુકીને વરસે તેવી લોકો પ્રાર્થના કરી રહયાં છે. મેઘરાજાને મનાવવા માટે ઠેર ઠેર પુજન અર્ચન પણ કરાય રહયું છે. ભરૂચ જિલ્લાની વાત કરવામાં આવે તો ભરૂચ અને અંકલેશ્વરમાં છેલ્લા ઘણા સમયથી હાથતાળી આપી રહયાં હતાં. વરસાદ પાછો ખેંચાતા ખેડુતોમાં ચિંતાનું મોજુ પ્રસરી ગયું હતું.

વરસાદ ન વરસે તો ખેતીની સીઝન નિષ્ફળ જાય તેવી સ્થિતિ ઉભી થઇ છે. ભાદરવા મહિનાના પ્રથમ દિવસે વાતાવરણમાં પલટો આવ્યો હતો અને વરસાદ વરસવાની શરૂઆત થઇ હતી. ભરૂચ, અંકલેશ્વર સહિતના મોટાભાગના વિસ્તારોમાં વરસાદ વરસતા વાતાવરણમાં ઠંડક પ્રસરી ગઇ છે. મેઘરાજા તેમની મહેર યથાવત રાખે તો ખેતીને જીવનદાન મળે તેમ છે. શહેરી વિસ્તારોમાં વરસાદના કારણે લોકો રેઇનકોટ અને છત્રી સાથે જોવા મળ્યાં હતાં.

Next Story