/connect-gujarat/media/post_banners/04b3761ab6799875d71fd4464801cb8492967d9f0218b2ffae669819c0bb95c0.jpg)
ભરૂચના સાબુગઢ વિસ્તારમાં બનેલા રાજીવ આવાસ યોજનાના મકાનો અસામાજીક તત્વો માટે સ્વર્ગ સમાન બની ગયાં છે. ગરીબો પાસે પુરતા નાણા નહિ હોવાથી તેઓ આવાસ ખરીદી શકે તેમ ન હોવાથી મોટાભાગના આવાસો ખંડેર બની ગયાં છે. આ ખંડેર મકાનોનો ઉપયોગ હવે અસામાજીક પ્રવૃતિઓ તથા ભુંડોને રાખવા માટે થઇ રહયો છે. આ વિસ્તારમાં રહેતાં શીખો ભુંડો પકડી લાવી તેને આવાસોમાં રાખી રહયાં છે. ભરૂચ શહેરને ઝુંપડપટ્ટી મુકત બનાવવા માટે રાજીવ આવાસ યોજના હેઠળ 512 જેટલા પાકા મકાનો બનાવાયાં છે પણ આવાસોના રૂપિયા પાણીમાં ગયા હોય તેમ લાગી રહયું છે. આવાસોમાં ભુંડો રાખવામાં આવતાં હોવાથી અસહય ગંદકી અને બદબુ ફેલાય છે. આ આવાસોની નજીકમાં જ આંગણવાડી ચાલે છે. આ સમસ્યાથી ત્રસ્ત આંગણવાડી બહેન પોતાની વ્યથા સંભળાવતાં સંભળાવતાં રડી પડયાં હતા.
રાજીવ આવાસ યોજનાના બંધ પડેલા મકાનોમાં દુકાનો પુરવામાં આવતા હોય અને આ સમગ્ર મકાનના રૂમો અસામાજિક તત્વો માટે આશ્રય સ્થાન બની ગયું હોય તેવા ચોંકાવનારા દૃશ્યો સામે આવ્યા હતાં. બનાવની જાણ થતાં પાલિકા પ્રમુખ અમિત ચાવડા સ્થળ પર દોડી આવ્યાં હતાં. તેમણે સમગ્ર ઘટનાની તપાસ કરી આગામી દિવસોમાં સમગ્ર પ્રકરણમાં યોગ્ય કાર્યવાહી કરવામાં આવશે તેવી બાહેધરી આપી હતી.