ભરૂચ : શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના 20મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાય

શ્રીમાળી પોળ સ્થિત જૈન ધર્મના 20મા તીર્થંકર તરીકે ઓળખાતા શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

New Update
ભરૂચ : શ્રીમાળી પોળ ખાતે જૈન ધર્મના 20મા તીર્થંકર શ્રી મુનિસુવ્રત સ્વામીના જન્મ કલ્યાણક મહોત્સવની ઉજવણી કરાય

ભરૂચ શહેરના શ્રીમાળી પોળ સ્થિત જૈન ધર્મના 20મા તીર્થંકર તરીકે ઓળખાતા શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવની ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી.

શ્રી મુનિસુવ્રત સ્વામીએ જૈન ધર્મ અનુસાર હાલમાં ચાલી રહેલા અવસર્પિણીકાળના 20મા તીર્થંકર છે. જૈન ધર્મના મત મુજબ શ્રી મુનિસુવ્રત સ્વામીએ પોતાના સર્વ કર્મોનો ક્ષય કરીને પોતાના, આત્માને મુક્ત કરી સિદ્ધ બન્યા હતા. જૈન શાસ્ત્રોમાં દર્શાવ્યા મુજબ જૈન રામાયણ શ્રી મુનિસુવ્રત સ્વામીના સમયમાં બની હોવાનું જણાવાયું છે. તેમના મુખ્ય ગણધર મલ્લિનાથ સ્વામી હતા. જૈન શાસ્ત્રો અનુસાર 19મા તીર્થંકર શ્રી મલ્લિનાથ સ્વામીના જન્મ પછી 34,50,000 વર્ષ બાદ શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ થયો હતો. આણત કલ્પ નામના દેવલોકનું આયુષ્ય પૂર્ણ કરી શ્રી મુનિસુવ્રત સ્વામીએ હરિવંશ કુળના રાણી પદ્મા અને રાજા સુમિત્રને ઘેર વૈશાખ વદ નોમના દિવસે જન્મ લીધો હતો. તે પહેલાના જન્મમાં શ્રી મુનિસુવ્રત સ્વામી મહાવિદેહ ક્ષેત્રમાં ચંપાના રાજા હતા, અને તેમનું નામ સુરશ્રેષ્ઠ હતું. વૈશાખ મહિનાની વદ ત્રીજના દિવસે રાજગૃહીની રાણી પદ્માએ 16 સ્વપ્ના જોયા. આ વાત તેમણે રાજા સુમિત્રને કરી અને રાજાએ તેનો અર્થ સૂચવતા જાણાવ્યું કે, તેમના ઘરે તીર્થંકરનો જન્મ થવાનો છે. ત્યારબાદ વૈશાખ વદ નોમના દિવસે શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ થયો હતો. જૈન ધર્મગ્રંથો અનુસાર કુમારકાળના 7,500 વર્ષ પછી શ્રી મુનિસુવ્રત સ્વામીએ 15,000 વર્ષ સુધી તેમના દેશ પર રાજ કર્યું. ત્યારબાદ તેઓ રાજપાટ આદિનો ત્યાગ કરી દીક્ષા અંગીકાર કરી સાધુ બન્યા. દીક્ષા લીધા બાદ 11 મહિના સુધી તેઓ કર્મોનો ક્ષય કરતાં કરતાં છદમસ્તરૂપે વિચર્યા અને ત્યારબાદ કેવળજ્ઞાન પામ્યા. કેવળ જ્ઞાન પામ્યા બાદ શ્રી મુનિસુવ્રત સ્વામી 30,000 વર્ષ સુધી વિચર્યા હોવાનું મનાય છે, અને ત્યારબાદ ફાગણ વદ બારસના સમ્મેત શિખર પર નિર્વાણ પામ્યા હતા, ત્યારે ભરૂચ શહેરના શ્રીમાળી પોળ સ્થિત શ્રી મુનિસુવ્રત જિનાલય ખાતે જૈન ધર્મના 20મા તીર્થંકર તરીકે ઓળખાતા શ્રી મુનિસુવ્રત સ્વામીનો જન્મ કલ્યાણક મહોત્સવની ખૂબ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. જેમાં શ્રી મુનિસુવ્રત સ્વામીને ભવ્ય આંગી કરવામાં આવી હતી. આ પ્રસંગે મોટી સંખ્યામાં શ્રાવક-શ્રાવિકાઓએ ઉપસ્થિત રહી ભગવાન મહાવીર સ્વામીના પૂજન, દર્શન, આરતી અને નવકારશીનો લાભ લઈને પોતાના જીવનને ધન્ય બનાવ્યું હતું.

Latest Stories