/connect-gujarat/media/post_banners/a989d494c312ca62277f53a2aacb6f67c334e16e72a7b53020daaa55301b89e5.jpg)
ભરૂચના વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી કોંગ્રેસ અને અન્ય વિપક્ષી પાર્ટીઓ પર આકરા પ્રહાર કર્યા હતા
ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને આજે ભાજપે ઝંઝાવાતી પ્રચાર કર્યો હતો. પ્રથમ તબક્કાની 89 પૈકી 82 બેઠકો પર ભાજપે ઈતિહાસમાં પ્રથમવાર એક સાથે જાહેર સભાનું આયોજન કર્યું હતું ત્યારે ભરૂચ જિલ્લાની ઝઘડીયા વિધાનસભા બેઠક પર વાલિયા ખાતે ઉત્તરપ્રદેશના સી.એમ.યોગી આદિત્યનાથે જાહેર સભા સંબોધી હતી. આ પ્રસંગે ઝઘડીયા બેઠકના ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રમુખ મારૂતિસિંહ અટોદરીયા, ભરૂચ જિલ્લા ભાજપના પ્રભારી જનક બગદાણાવાલા, જીગ્નેશ મિસ્ત્રી, સેવંતુ વસાવા સહિતના આગેવાનો અને મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. જાહેરસભામાં ભારતીય ટ્રાયબલ પાર્ટીના 15થી વધુ આગેવાનો ભાજપમાં જોડાયા હતા. ભાજપના આગેવાનોએ તેમને ખેસ પહેરાવી પક્ષમાં આવકાર આપ્યો હતોયોગી આદિત્યનાથે જાહેરસભામાં કોંગ્રેસ અને અન્ય પાર્ટીઓ પર આકરા પ્રહારો કર્યા હતા અને ભાજપને ભવ્ય જીત અપાવવા અપીલ કરી હતી. યોગી આદિત્યનાથે કોંગ્રેસ પર પ્રહાર કરતા જણાવ્યું હતું કે કોંગ્રેસે દેશને આતંકવાદ અને નક્સલવાદ આપ્યો જ્યારે ભાજપે વિકાસ ઘર ઘર સુધી પહોંચાડ્યો છે. પી.એમ.નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં અયોધ્યામા ભવ્ય રામમંદિરનું નિર્માણ થઇ રહ્યું છે જે આવનારા દિવસોમાં રાષ્ટ્ર મંદિર બની રહેશે. ભાજપ સરકારના રાજમાં ગુજરાત દેશ અને દુનિયામાં મોડેલ રાજ્ય બન્યું છે ત્યારે ફરીવાર ભાજપની સરકાર બનાવવા તેઓએ અપીલ કરી હતી.