ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલી બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોની ઘોર બેદરકારી સામે આવી છે. કોરોનાની મહામારી વચ્ચે 10 થી વધારે ભુલકાઓને શાળામાં બોલાવવામાં આવતાં વિવાદનો મધપુડો છંછેડાયો છે.
રાજયભરમાં કોરોનાના કેસ જેટગતિથી વધી રહયાં છે. કોરોનાના વધતાં કેસોને ધ્યાને રાખી રાજય સરકારે નવી ગાઇડલાઇન બહાર પાડી છે. જેમાં શાળાઓમાં તારીખ 31મી જાન્યુઆરી સુધી ઓફલાઇન શિક્ષણકાર્ય બંધ રાખવા માટે આદેશ આપવામાં આવ્યો છે. ભરૂચ શહેરની વાત કરવામાં આવે તો ભરૂચ શહેરને પણ કોરોનાએ પોતાના ભરડામાં લીધું છે. ચારે તરફ કોરોનાએ હાહાકાર મચાવી દીધો છે તેવામાં ભરૂચના શેરપુરા વિસ્તારમાં આવેલી બ્રાઇટ એન્જલ શાળાના સંચાલકોએ ભુલકાઓને શાળામાં બોલાવી વિવાદનો મધપુડો છંછેડયો છે. ભરૂચ શહેર તથા જિલ્લાની તમામ શાળાઓ સરકારની ગાઇડલાઇન મુજબ કાર્ય કરી રહી છે પણ બ્રાઇટ એન્જલ સ્કુલમાં કઇ અલગ જ પરિસ્થિતિ જોવા મળી હતી. શાળા સંચાલકોએ ભુલકાઓને શાળામાં બોલાવતાં વાલીઓએ વિરોધ કર્યો હતો. વિવાદ બાદ શાળાના સંચાલકોએ લુલો બચાવ કરતાં જણાવ્યું હતું કે, બાળકોને નોટબુક માટે બોલાવ્યાં છે. શાળા સંચાલકોનું કહેવું છે કે તેમણે બાળકોને માત્ર નોટબુક માટે બોલાવ્યાં હતાં અને તમામને માસ્ક પહેરાવવામાં આવ્યું છે. બીજી તરફ આખો મામલો ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી કચેરી સુધી પહોંચ્યો છે. અને ડીઇઓ કચેરીમાંથી નિરિક્ષકને સ્થળ તપાસ માટે મોકલવામાં આવ્યાં હતાં. મામલાની ગંભીરતા પારખી ડીઇઓ કચેરીએ પણ શાળા સંચાલકોનો ખુલાસો માંગ્યો છે. કોરોનાના કહેર વચ્ચે શાળાઓમાં ઓફલાઇન શિક્ષણ બંધ કરી દેવામાં આવ્યું છે તેવામાં ભુલકાઓને શાળામાં બોલાવવાથી તેઓ કોરોનાથી સંક્રમિત થાય તેવો ભય રહેલો છે. કોરોનાના કેસ દિવસે ને દિવસે વધી રહયાં છે ત્યારે શાળા સંચાલકો પણ થોડી તકેદારી દાખવે તેવી વાલીઓની માંગણી છે.