ભરુચ જિલ્લા માટે સમાચારોની સથવારે સમાજ સેવાના મંત્ર સાથે કાર્યરત આપની પોતાની ચેનલ ચેનલ નર્મદાએ 20 ઑગષ્ટ 2022ના રોજ 24 વર્ષ પૂર્ણ કરી રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કર્યો છે. કેબલ નેટવર્ક થકી સમાચાર ક્ષેત્રમાં ઝંપલાવનાર ચેનલ નર્મદા એ ગુજરાતની પ્રથમ ચેનલ બની હતી.25માં વર્ષમાં પ્રવેશ નિમિત્તે ભરુચ જિલ્લાની જનતા માટે ડિજિટલ પ્લેટફોર્મ "નર્મદા ન્યૂઝ" વેબ પોર્ટલનો ભવ્ય પ્રારંભ કરવામાં આવ્યો.
ભરુચ શહેર તેમજ જીલ્લામાં દ્રશ્ય શ્રાવ્યના માધ્યમથી સમાચારો પ્રસારિત કરવા માટે 3 યુવાનો ઋષિ દવે, હરીશ જોષી અને નરેશ ઠક્કર દ્વારા વર્ષ 1998માં 20 ઑગષ્ટના રોજ ચેનલ નર્મદાની શરૂઆત કરી. તે સમયના મુખ્ય પ્રધાન કેશુબાપાના હસ્તે ચેનલનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. આજે ચેનલ નર્મદાએ 24 વર્ષ પૂર્ણ કરતાં રજત જયંતિ વર્ષમાં પ્રવેશ કર્યો છે. આ સમગ્ર વર્ષ દરમિયાન ચેનલ નર્મદા 25 અલગ અલગ કાર્યક્રમો યોજશે. આજે રજત જયંતિ વર્ષમાં પ્રવેશ નિમિત્તે ચેનલ નર્મદા દ્વારા ભરૂચની હોટલ લોર્ડસ રંગ ઇન ખાતે કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
જેમાં ચેનલ નર્મદાની નવા વેબ પોર્ટલ "નર્મદા ન્યૂઝ" ખુલ્લુ મૂકવામાં આવ્યું. આ પ્રસંગે ચેનલ નર્મદાનાં નવા લોગોનું પણ લોંચિંગ તેમજ સોવેનિયરનું પણ વિમોચન કરવામાં આવ્યું હતું. તો ભરુચ જિલ્લાના રાજકીય ક્ષેત્રે સતત કાર્યરત રહી વિશિષ્ટ પ્રદાન કરનાર 17 મહાનુભાવોનું સન્માન પણ કરવામાં આવ્યું હતું.