Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વટારીયા સુગર ફેકટરીમાં 85 કરોડ રૂા.ની કથિત ઉચાપત, પુર્વ ચેરમેન સંદિપ માંગરોલા સહીત 8 સામે ફરિયાદ

ભરૂચના સહકારી રાજકારણમાં હડકંપ મચાવી દેતી એક પોલીસ ફરિયાદ વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે.

X

ભરૂચના સહકારી રાજકારણમાં હડકંપ મચાવી દેતી એક પોલીસ ફરિયાદ વાલિયા પોલીસ સ્ટેશનમાં નોંધાય છે. કોંગ્રેસના આગેવાન તથા વટારીયા સુગર ફેકટરીના ચેરમેન સંદિપ માંગરોલા વિરૂધ્ધ એક સભાસદે 85 કરોડ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાવી છે. બીજી તરફ સંદિપ માંગરોલાએ ફરિયાદને રાજકીય અને દ્રેષભાવપુર્ણ ગણાવી છે. પત્રકાર પરિષદ પુર્ણ થતાંની સાથે પોલીસે સંદિપ માંગરોલાની અટકાયત કરી લીધી હતી.


વટારીયા સુગર ફેકટરીના સભાસદ પુષ્પેન્દ્રસિંહ સુણવાએ વાલિયા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી છે. આ ફરિયાદમાં તેમણે જણાવ્યું છે કે, વટારીયા સુગર ફેકટરીના માજી ચેરમેન સંદિપ ઉર્ફે સુરજીતસિંહ માંગરોલા તથા અન્ય આરોપીઓએ ખેડુતોના નાણા અંગત સ્વાર્થ માટે વાપરીને સુગર ફેકટરી સાથે આશરે 85 કરોડ રૂપિયાની છેતરપીંડી કરી છે. ફરિયાદમાં જણાવ્યા મુજબ 2008-09 અને 2019-20ના સમયગાળામાં સુગર ફેકટરીના તત્કાલીન ચેરમેન સંદિપ માંગરોલાએ ખાંડ તથા મોલાસીસનું વેચાણ પોતાની અંગત પેઢી મારફતે કરી સંસ્થા સાથે છેતરપીંડી કરી છે. સુગર ફેકટરીને ખાંડ કે મોલાસીસના જે ઓર્ડર મળે તેની પુરેપુરી રકમ એડવાન્સમાં લેવાની હોય છે અથવા પુરેપુરી રકમ સંસ્થાના બેંક ખાતામાં આરટીજીએસ કરવાની હોય છે પણ ચેરમેન સંદિપ માંગરોલા તથા તેમના મળતિયાઓએ આ રકમ તેમના અંગત બેંક ખાતાઓમાં જમા કરાવી હોવાનો આક્ષેપ ફરિયાદમાં કરવામાં આવ્યો છે.


વટારીયા સુગર ફેકટરીના માજી ચેરમેન અને કોંગી અગ્રણી સંદિપ માંગરોલાને પણ પોતાની સામે એફઆઇઆર થઇ હોવાની જાણ થતાં તેમણે ભરૂચના ભોલાવ સરકીટ હાઉસ ખાતે પત્રકાર પરિષદ સંબોધી હતી. વાલીયામાં નોંધાયેલી 85 કરોડ રૂપિયાની માતબર રકમની ઉચાપતની ફરિયાદના આરોપી ભોલાવ સરકીટ હાઉસ ખાતે હોવાની માહીતી સી ડીવિઝન પોલીસને મળી હતી. સી ડીવીઝન પોલીસ ચાલુ પત્રકાર પરિષદે જ ભોલાવ સરકીટ હાઉસ ખાતે પહોંચી ગઇ હતી. પત્રકાર પરિષદમાં પોલીસની એન્ટ્રી થઇ હતી અને સંદિપ માંગરોલાની અટકાયત કરી લીધી હતી. પોલીસે અટકાયત કરે તે પહેલાં સંબોધેલી પત્રકાર પરિષદમાં સંદિપ માંગરોલાએ તેમની સામે થયેલી એફઆઇઆરને રાજકીય દ્રેષપુર્ણ ગણાવી હતી.

Next Story