ભરૂચના વાગરા ખાતે કોંગ્રેસ દ્વારા ખેડૂત અને ખેતી બચાવ અભિયાન અંતર્ગત સરકાર સામે વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યો હતો.
રાજયભરમાં ગુજરાતમાં રાજ્ય સરકાર પાંચ વર્ષ આપણી સરકારના અંતર્ગત રાજ્યવ્યાપી ઉજવણી કરી રહી છે. જેની સામે કોંગ્રેસ દ્વારા પણ તેના સમાંતર વિરોધનાં કાર્યક્રમો યોજી રહી છે. જેના ભાગરૂપે આજરોજ ભરૂચ જિલ્લાના વાગરા તાલુકા કોંગ્રેસે રાજ્ય સરકારની ખોટી નીતિઓ સામે વિરોધ પ્રદર્શન કર્યું હતુ. ખેડૂતો અને ખેતી બચાવ અભિયાન છેડી જગતના તાતની પડખે રહી કોંગ્રેસે જોરદાર વિરોધ નોંધાવ્યો હતો.
આજ રોજ રાજ્ય સરકાર કિસાન સન્માન દિવસ ઉજવી રહી હતી તો બીજી તરફ વાગરા તાલુકા કોંગ્રેસે ખેડૂત અને ખેતી બચાવ અભિયાન સંદર્ભે રાજ્ય સરકાર સામે વિરોધ નોંધાવ્યો હતો. વાગરા એસટી ડેપો સર્કલ ખાતે વાગરા તાલુકા કોંગ્રેસના અગ્રણીઓ અને કાર્યકરો એકત્ર થયા હતા. જ્યાં રાજ્ય અને કેન્દ્ર સરકાર વિરોધી નારા લગાવ્યા હતા. સૂત્રોચ્ચાર કરતા રેલી સ્વરૂપે મામલતદાર કચેરી તરફ આગળ ધપતા કોંગ્રેસીઓને ચીમન ચોક નજીક ડિસ્ટ્રીકટ બેન્ક આગળ પોલીસે તેમની અટકાયત કરી હતી.
વિરોધ પ્રદર્શનમાં જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પરિમલસિંહ રણા, સુલેમાન પટેલ, સંદીપ માંગરોલા, શેરખાન પઠાણ, વાગરા તાલુકા કોંગ્રેસ કાર્યકારી પ્રમુખ સુરેશ પરમાર, જિલ્લા મહિલા કોંગ્રેસ પ્રમુખ જ્યોતિબેન તડવી, માજી તાલુકા પંચાયત પ્રમુખ નશીમાબેન, જિલ્લા પંચાયત સભ્ય અરવિંદ વસાવા સહિત કોંગી અગ્રણીઓ અને કાર્યકરો જોડાયા હતા.