/connect-gujarat/media/post_banners/7c3ef3b11124c099d0e5ec21e976ec1cc82ec37f2f4057ea28f4c6c5c7859002.jpg)
ભરૂચ જિલ્લામાં શિયાળાની શરૂઆત થયા બાદ વરસાદી માવઠું અને દિવસે વાતાવરણમાં બફારાના કારણે લોકોને બેવડી ઋતુનો અનુભવ થઈ રહ્યો છે. આ વચ્ચે શહેરમાં વાયરલ ઇન્ફેક્શનના દર્દીઓમાં ખૂબ વધારો જોવા મળી રહ્યો છે. જેના કારણે સરકારી હોસ્પિટલો અને ખાનગી હોસ્પિટલમાં દર્દીઓની ભીડ જોવા મળી રહી છે.
ભરૂચ જિલ્લામાં છેલ્લા કેટલાક સમયથી વાયરલ ઇન્ફેક્શન, મલેરીયા, ડેંગ્યુ જેવા કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે. જેમાં વાયરલ ઇન્ફેક્શનની વાત કરીએ તો, બદલાતી જીવનશૈલી, રોગપ્રતિકારક શક્તિનો અભાવ, હવામાં વધતું જતું પ્રદૂષણ વગેરે અનેક કારણો જવાબદાર છે. પ્રદૂષિત વાતાવરણમાં રહેલાં ગેસ અને ઝેરી રજકણો હવાને અશુદ્ધ કરે છે, અને તે લોકોના શ્વાસમાં જવાથી લોકો વાયરલ ઇન્ફેક્શનનો ભોગ બની રહ્યા છે. જોકે, છેલ્લાં 2 સપ્તાહથી વાતાવરણમાં થઇ રહેલા ફેરફારથી ઠંડી અને ગરમી સાથે વરસાદી માવઠાના કારણે અનેક લોકો વાયરલ ઇન્ફેક્શનની ઝપેટમાં આવી રહ્યા છે. દિવસે ગરમી અને રાતે તેમજ વહેલી સવારે વાતાવરણમાં ઠંડક સાથે ભેજના કારણે શરદી, તાવ અને ખાસ કરીને ગળું પકડાઈ જવાના કેસમાં વધારો જોવા મળી રહ્યો છે. આ અંગે ભરૂચની કિરણ.સી.પટેલ મેડીકલ કોલેજના આસિસ્ટન્ટ પ્રોફેસરે જણાવ્યું હતું કે, બેવડી ઋતુની અસર માનવજીવન પર અસરકારક બની રહે છે, ત્યારે હાલમાં ભરૂચની સિવિલ હોસ્પિટલમાં રોજના 70થી 80 કેસ નોંધાયા રહ્યા છે. જેમાંથી 30થી 40 ટકા વાયરલ ઇન્ફેક્શનના કેસ, જ્યારે બાકીના મેલેરીયા-ડેંગ્યુના કેસ જોવા મળી રહ્યા છે, ત્યારે શરીરની ખાસ તકેદારી રાખવા માટે વધારે પાણી પીવું જોઈએ, તાજો અને ગરમ ખોરાક ખાવો જોઈએ, તમારા આસપાસ મચ્છરો ન થાય તે માટે સફાઈ રાખવી જોઈએ, તાવ કે શરદી ખાંસીની વધુ અસર જણાય તો તુરંત ડોક્ટરની સલાહ મુજબ સારવાર કરાવવી જોઈએ.
/connect-gujarat/media/media_files/2025/07/07/tajiya-commitee-2025-07-07-19-26-15.jpg)