ભરૂચના પાંજરાપોળ દ્વારા એક અનોખી પહેલ કરવામાં આવી છે. જ્યાં ગાયના ગોબરનો સંગ્રહ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ (છાણાં) બનાવવામાં આવી રહ્યા છે. જેનો ઉપયોગ આગામી પર્વ હોળીમાં દહન અર્થે કરવામાં આવશે.
ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તાર સ્થિત પાંજરાપોળ દ્વારા અનોખી પહેલ કરવામાં આવી છે. 400 જેટલી ગાયના ગોબરનો સંગ્રહ અને વેસ્ટ ઘાસચારાનો ઉપયોગ કરી ગૌ-કાષ્ટ (છાણાં) બનાવવામાં આવી રહ્યા છે. આ ગૌ-કાષ્ટનો ઉપયોગ હોળી દહનમાં કરવામાં આવશે. ગાયના ગોબરમાંથી બનાવાયેલા છાંણામાંથી વૈદિક હોળી પ્રગટાવવાથી વાતાવરણ શુદ્ધ થાય છે. તો બીજી તરફ ગૌમાતા પ્રત્યે ભાવના જાગે છે અને ગૌ-કાષ્ટના ઉપયોગથી ગૌમાતાની સેવા પણ થાય છે. જેથી લોકો જલાઉ લાકડાના બદલે ગૌ-કાષ્ટનું દહન કરી વૈદિક રીતે હોળીના પર્વની ઉજવણી કરી શકે અને હજારો વૃક્ષોને કપાતા બચાવી શકાય તે હેતુથી ભરૂચ પાંજરાપોળ દ્વારા પહેલ કરવામાં આવી છે. આ સાથે જ ગૌ-કાષ્ટના વેચાણમાંથી જે આવક થશે, તેનો ઉપયોગ ગાયના સ્વાસ્થ્ય માટે ખર્ચ કરવામાં આવશે તેવું ભરૂચ પાંજરાપોળના ટ્રસ્ટીએ જણાવ્યુ હતું.