Connect Gujarat
ભરૂચ

ભરૂચ : દશામાની મૂર્તિઓના વિસર્જન માટે પાલિકા દ્વારા તૈયારી, જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ...

દિવાસાથી પ્રારંભ થયેલા દશામા વ્રતનું કરાશે સમાપન, મૂર્તિઓના વિસર્જન માટે પાલિકા દ્વારા તૈયારીઓને ઓપ.

X

અષાઢી અમાસ એટલે કે, દિવાસાથી પ્રારંભ થયેલા માઁ દશામાના વ્રતનું સમાપન થવા જઈ રહ્યું છે, ત્યારે ભરૂચ શહેરમાં દશામાની મૂર્તિઓના વિસર્જન માટે પાલિકા દ્વારા જે.બી.મોદી પાર્ક નજીક કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. તો બીજી તરફ, દશાશ્વમેઘ ઘાટ ખાતે કાદવ-કીચડથી લથબથ માર્ગ પર લાઈટ સહિતની તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવ્યો છે.

ભરૂચ જિલ્લામાં દિવાસાથી શરૂ થતાં દશામાના વ્રતની ઉજવણી માટે મહિલાઓ તથા કુંવારિકાઓમાં ગજબનો ઉત્સાહ અને ભક્તિભાવ જોવા મળ્યો હતો. વ્રતની શરૂઆત કરનાર પ્રત્યેક માઈભક્તો 10 દિવસના ઉપવાસ રાખી દશામાનું પૂજન-અર્ચન કરી પોતાની મનોકામના પૂર્ણ કરવા દશામાની ભક્તિમાં લીન બન્યા હતા.

અષાઢી અમાસ એટલે કે, દિવાસાથી પ્રારંભ થતાં દશામાના વ્રતના 10 દિવસ સુધી માતાજીની પૂજા, અર્ચના, ભક્તિ કર્યા બાદ નદી અને તળાવના જળમાં મૂર્તિઓનું વિસર્જન કરવામાં આવનાર છે, ત્યારે ભરૂચ નગરપાલિકા દ્વારા શક્તિનાથ નજીક જે.બી.મોદી પાર્ક ખાતે કુત્રિમ કુંડનું નિર્માણ કરવામાં આવ્યું છે. આ ઉપરાંત નદી ઘાટો ખાતે પણ લાઇટ સહિતની વ્યવસ્થા ઊભી કરવામાં આવી છે.

ઉલ્લેખનીય છે કે, નર્મદા નદી કિનારે આવેલા દાંડિયા બજાર નજીક દશાશ્વમેઘ ઘાટ ખાતે વરસાદના કારણે માર્ગ કાદવ-કીચડવાળો બન્યો છે, ત્યારે રાત્રી દરમિયાન જો વરસાદ વરસે તો માઈભક્તો સહિત પાલિકા તંત્રને પણ મોટી અગવડ પડે તો નવાઈ નહીં.

Next Story