Connect Gujarat
ભરૂચ

કોંગ્રેસ મુક્ત બન્યો ભરૂચ જિલ્લો, છોટુ વસાવાના કિલ્લાને પણ દ્વસ્ત કરી 5 બેઠક પર ભાજપનો પ્રચંડ વિજય...

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે

X

ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ જિલ્લાની પાંચેય વિધાનસભા બેઠક પર ભાજપનો ભગવો લહેરાયો છે, ત્યારે હવે ભરૂચ જિલ્લો કોંગ્રેસ મુક્ત બનતા ભાજપના આગેવાનો, કાર્યકરો અને ટેકેદારોમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.

ગુજરાતમાં વર્તમાનમાં ભાજપાની સરકાર છે. ભાજપા 27 વર્ષથી સત્તા પર છે. ગત વખતના પરિણામ પર નજર કરવામાં આવે, તો ગુજરાતમાં ભાજપને 182 સીટોમાંથી 99 સીટો પર જીત મળી હતી, ત્યારે આ વખતે આમ આદમી પાર્ટીની એન્ટ્રીથી મુકાબલો ત્રિકોણિયો જંગમાં પરિવર્તિત થયો હતો. ભરૂચ વિધાનસભા બેઠકની વાત કરીએ તો, સતત 3 ટર્મના ધારાસભ્ય દુષ્યંત પટેલની ટિકિટ કાપી ભાજપે આ વખતે રમેશ મિસ્ત્રીને ટિકિટ આપી હતી. રમેશ મિસ્ત્રી અગાઉ એક ટર્મ ધારાસભ્ય પણ રહી ચૂક્યા છે, ત્યારે ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં ભરૂચ બેઠક પર રમેશ મિસ્ત્રી 64,243 મતથી ચૂંટણીના જંગમાં વિજેતા થયા છે.

તો આ તરફ, જંબુસર વિધાનસભા બેઠક માટે પણ ચૂંટણીના જંગમાં ભાજપે સ્વામિનારાયણ સંપ્રદાયના સંત ડી.કે.સ્વામીને મેદાને ઉતાર્યા હતા. જેઓની સામે કોંગ્રેસના વર્તમાન ધારાસભ્ય સંજય સોલંકીએ ચૂંટણી લડી હતી. જોકે, આ વખતે ભાજપના ઉમેદવાર ડી.કે.સ્વામીએ 26 હજાર મતથી વિજેતા થયા છે, ત્યારે ડી.કે.સ્વામીએ તમામ મતદારો અને સમર્થકો અને સંપ્રદાયના અનુયાયીઓનો આભાર માન્યો હતો.

ભરૂચના વાગરા વિધાનસભા મત વિસ્તારના ઉમેદવાર તરીકે છેલ્લી 2 ટર્મથી આ બેઠક ઉપર જીત મેળવનાર અરુણસિંહ રણાને ભાજપે ટિકિટ આપી આ વખતે વાગરા બેઠકને ફરીથી કબ્જે કરી છે. તેઓની સામે આ ચૂંટણીમાં ફરીએક વાર લઘુમતી સમાજના આગેવાન સુલેમાન પટેલ ચૂંટણીના મેદાને આવ્યા હતા. જોકે, વર્ષ 2012ની ચૂંટણીમાં ભાજપાએ કોંગ્રેસનો સાથ છોડી ભાજપાનો હાથ પકડનાર અરુણસિંહ રણા વગારા વિસ્તારમાં મજબૂત પકડ અને આક્રમક નેતા તરીકેની છાપ ધરાવે છે, ત્યારે આ વખતની ચૂંટણીમાં તેઓએ 13,453 મત સાથે હેટ્રિક મારી વગારા બેઠક પર ભવ્ય જીત મેળવી છે.

અંકલેશ્વર વિધાનસભા મત વિસ્તારમાં પણ ઘણી અટકળો વચ્ચે માજી મંત્રી ઈશ્વરસિંહ પટેલને ભાજપા દ્વારા અંકલેશ્વર બેઠક ઉપર સતત પાંચમી ટર્મ માટે ટિકિટ આપવામાં આવી હતી. ઈશ્વર પટેલ રાજ્ય સરકારમાં સહકાર મંત્રી પણ રહી ચૂક્યા છે, ત્યારે કોળી મતદારોનું પ્રભુત્વ ધરાવતી આ બેઠક પર 2 સગા ભાઈઓ વચ્ચે ચૂંટણીનો જંગ જામ્યો હતો. કોંગ્રેસના ઉમેદવાર અને મોટા ભાઈ વિજયસિંહ પટેલ સામે નાના ભાઈ એવા ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ ચૂંટણીના જંગમાં આવ્યા હતા, ત્યારે આ બેઠક પર આજે ચૂંટણીનું પરિણામ જાહેર થતાં જ ભાજપના ઉમેદવાર ઈશ્વરસિંહ પટેલ 40,441 મતથી વિજેતા થયા છે.

અંતે હવે, ભરૂચ જિલ્લાની મહત્વની બેઠક એવા ઝઘડીયા વિધાનસભા મત વિસ્તારમાં ઝઘડીયા તાલુકા પંચાયત પ્રમુખ રિતેશ વસાવાને ભાજપાએ મેદાને ઉતાર્યા હતા. 3 દાયકા ઉપરાંતથી ઝગડીયા બેઠક ઉપર ભાજપાએ જીત મેળવી નથી. તો બીજી તરફ, રિતેશ વસાવા યુવા મતદારો પર સારું પ્રભુત્વ ધરાવે છે. તો બીજી તરફ, આ બેઠક પર સતત 7 ટર્મ સુધી છોટુ વસાવા ધારાસભ્ય તરીકે ચૂંટાય આવ્યા હતા. જોકે, આ વખતે મોદી લહેરને જોતાં છોટુ વસાવાની હાર જોવા મળી છે, જ્યારે આ બેઠક પર ભાજપના ઉમેદવાર રિતેશ વસાવા 21 હજારથી વધુ મતથી વિજેતા થયા છે.

Next Story