ભરૂચ શહેરના ઝાડેશ્વર રોડ પર તુલસીધામ વિસ્તાર સ્થિત નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વર દ્વારા આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ એમ્બ્યુલન્સનું ધારાસભ્ય રમેશ મિસ્ત્રીની ઉપસ્થિતિમાં દાન આપી સેવાની મહેક પ્રસરાવવામાં આવી છે.
દાન એટલે આપણી પાસે જે કઇ પણ છે, એમાંથી થોડું અન્ય વ્યક્તિને આપી સુખ, શાંતિ, સહાયતા અને સગવડ આપવાનો નાનકડો પ્રયત્ન. વિશ્વમાં કોરોના મહામારીના સમયમાં થયેલા કડવા અનુભવ બાદ દેશ અને દુનિયામાં હોસ્પિટલો સહિત તબીબો દ્વારા કરવામાં આવેલી સેવાકાર્યની સાચી ઓળખ લોકોને થતાં તેમના સેવકાર્યમાં સહભાગી બનવાના ઉમદા આશયથી ભરૂચ જીલ્લામાં વસતા અગ્રવાલ સમાજ દ્વારા દર્દીઓની સારવાર અને સુખાકારી માટે ભરૂચ શહેરના ઝાડેશ્વર વિસ્તાર સ્થિત નારાયણ મલ્ટી સ્પેશ્યાલીટી હોસ્પિટલ એન્ડ રિસર્ચ સેન્ટરને આરોગ્યલક્ષી સુવિધાઓથી સજ્જ એબુલન્સનું દાન આપી સમાજમાં માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડવામાં આવ્યું છે. આ પ્રસંગે ભરૂચના ધારાસભ્ય રમેશ મિસ્ત્રી, ભરૂચ જિલ્લા ભાજપ મહામંત્રી નિરલ પટેલ, જિલ્લા પંચાયતના બાંધકામ સમિતિના સભ્ય ધર્મેશ મિસ્ત્રી, અગ્રવાલ સમાજના સુનિલકુમાર જૈન, નારાયણ હોસ્પિટલનો મેડીકલ સ્ટાફ સહિત મોટી સંખ્યામાં અગ્રવાલ સમાજ ભરૂચ અને અંકલેશ્વરના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.