દેશના 73મા પ્રજાસત્તાક પર્વની પુર્વ સંધ્યાએ ભરૂચ જિલ્લાવાસીઓ માટે ગૌરવ લઇ શકાય તેવા સમાચાર આવ્યાં છે. આદિવાસી સમાજની બહુલ વસતી ધરાવતાં ઝઘડીયા તાલુકામાં સેવારૂરલના માધ્યમથી સેવાની ધુણી ધખાવનારા ડૉ. લતાબેન દેસાઇને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાં છે.
ભરૂચ જિલ્લાના ઝઘડીયા ખાતે કાર્યરત સેવા રૂરલના સ્થાપક.ડૉ. લતાબેન અનિલ દેસાઈને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત કરાયાં છે. સેવારૂરલની વાત કરવામાં આવે તો 1980માં સેવારૂરલની સ્થાપના બાદ અત્યાર સુધીમાં 26 લાખથી વધારે દર્દીઓને સારવાર આપવામાં આવી છે તેમજ 70 હજાર કરતાં વધારે પ્રસૃતિઓ કરાવવામાં આવી છે.
આંખની સારવાર માટે સેવારૂરલને શ્રેષ્ઠ ગણવામાં આવે છે ત્યારે સંસ્થાએ અત્યાર સુધીમાં દોઢ લાખ કરતાં વધારે આંખના ઓપરેશન કર્યા છે. 80 ટકા દર્દીઓની સારવાર સંસ્થામાં વિના મુલ્યે કરવામાં આવી છે. ડૉ. લતાબેન દેસાઇ તથા તેમના પતિ ડૉ. અનિલ દેસાઇએ 1980માં સેવારૂરલની સ્થાપના કરી હતી. નિસ્વાર્થ સેવા કરનારા ડૉ. લતાબેન હવે પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત થયાં છે. આત્મનો મોક્ષાથર્મ જગત હિતાય ચ ના સુત્રને ડૉ. લતા દેસાઇએ પોતાનો જીવનમંત્ર બનાવી લીધો છે.મહાત્મા ગાંધીજી અને સ્વામી વિવેકાનંદના જીવનથી દેસાઇ દંપત્તિને પ્રેરણા મળી હતી.
તેમણે ઝઘડીયા જેવા આદિવાસી બાહુલ્ય ધરાવતાં વિસ્તારમાં જ સેવા કાર્ય કરવાનો નિર્ણય લીધો હતો. 1980થી કૌશલ્ય વિકાસ દ્વારા આરોગ્ય, મહિલા સશક્તિકરણ, શિક્ષણ અને ગરીબી નાબૂદીના ક્ષેત્રમાં સેવારૂરલ કાર્યરત છે. સરકારની ભાગીદારીમાં માતા મૃત્યુદર, શિશુ મૃત્યુદર, પોષણ હેઠળના બાળકો, કિશોર આરોગ્ય અને સિકલ સેલ રોગમાં સુધારો કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી લોકોની સેવા કરવાનું કાર્ય વર્ષોથી કરવામાં આવી રહયું છે.