આમ આદમી પાર્ટીની સ્વાભિમાન યાત્રાનું ભરૂચના આમોદ નગર સહીત વિવિધ ગામોમાં કાર્યકરો દ્વારા ઉત્સાહભેર સ્વાગત કરાયુ હતું. લોકસભાની ચૂંટણીની પગલે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.સ્વાભિમાન યાત્રા આમોદના તિલક મેદાનમાં આવી પહોચતાં કાર્યકરોએ ફટાકડા ફોડી ઉત્સાહભેર સ્વાગત કર્યું હતું.લોકસભાની ચૂંટણીને ધ્યાનમાં રાખી જન સમર્થન મેળવવા અને કેન્દ્ર અને રાજ્યોમાં ભય,ભૂખ અને ભ્રષ્ટચારથી ભાજપ સરકાર ચાલી રહી હોવાના આક્ષેપ સાથે આમ આદમી પાર્ટી દ્વારા સ્વાભિમાન યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ચૈતર વસાવાએ જણાવ્યું હતું કે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવા હવે વડીલ થઈ ગયા છે માટે એમને રીટાયર કરવા જોઈએ.જયારે ભાજપ દ્વારા મને અને મારા પરિવારને જેલમા મોકલી આપેલ અને મને ધાક ધમકી આપેલ કે તમે અમારી સાથે આવી જાવ પરંતુ મે કહ્યું કે તમારે મારી ઉપર જે પદ્ધતિ અપનાવવી હોય તે અપનાવી લો "લેકિન મે ઝુકુંગા નહિ."એમ પુષ્પા ફિલ્મના ડાયલોગનો ઉપયોગ કરી હાજર લોકોને ઉત્સાહિત કર્યા હતા.કોંગ્રેસના આગેવાનો બાબતે પ્રતિક્રિયા આપતાં જણાવ્યું હતું કે ભરૂચ જિલ્લા કોંગ્રેસના પ્રમુખ સહિત આગેવાનો સાથે અમારી મિટિંગ ભરૂચ યોજાઈ હતી.આગામી દિવસોમાં જિલ્લાના કોંગ્રેસ આગેવાનો અમારી સાથે પ્રચારમા આવશે અને રાહુલજીની યાત્રા પણ તૈયારીમાં છે.તેઓ આગામી દિવસોમા અમારી સાથે ચૂંટણી પ્રચારમાં પણ જોડાશે.