/connect-gujarat/media/post_banners/c3b6f678f51fd6d8f16d8c65efc12eb4e9db6fed73c5b4af2199dc85a0de8258.jpg)
ભરૂચ શહેર તથા જિલ્લામાં આંખનો એડીનો વાયરસ એટલે કે, કન્જેક્ટિવાઇટિસ નામનો રોગ અત્યંત ઝડપથી ફેલાઈ રહ્યો છે, ત્યારે છેલ્લા 3 દિવસમાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ રોજના 50થી 75 જેટલા કેસ નોંધાઇ જતાં તંત્ર દ્વારા લોકોને સાવચેત રહેવા અપીલ કરવામાં આવી છે.
ગુજરાત સહિત ભરૂચ જિલ્લામાં પણ આંખ આવવાનો ચેપી રોગ એટલે કે, કન્જેક્ટિવાઇટિસનો પગ પેસારો થયો છે, ત્યારે આ રોગ લોકોને આંખમાં કણાની જેમ ખૂંચી લાલ આંખ કરવા સાથે સતત આસું પડાવી પરેશાન કરી રહ્યો છે. ભરૂચ જિલ્લામાં પણ આંખના ચેપી રોગે મોટેરા સહિત બાળકોમાં ભરડો લીધો છે.
છેલ્લા 10 દિવસથી સિવિલ હોસ્પિટલમાં કન્જેક્ટિવાઇટિસના કેસમાં સતત વધારો નોંધાઈ રહ્યો છે. 3 દિવસમાં માત્ર સિવિલ હોસ્પિટલમાં જ રોજના 50થી 75 કેસ નોંધાઇ ગયા છે. જેથી સિવિલ હોસ્પિટલમાં આવેલ આંખની ઓપીડી હાલ આંખ આવવાના દર્દીઓથી ભરેલી જોવા મળી રહી છે. આંખ રોગના નિષ્ણાંત ડો. શ્વેતા કોસમિયાએ જણાવ્યું હતું કે, હાલ શહેરમાં કન્જેક્ટિવાઇટિસના કેસમાં વધારો થયો છે.
આ વાઇરલ ઇન્ફેક્શન હોવાના કારણે ખૂબ જ ઝડપથી ફેલાય છે. એડીનો વાયરસ, ઇકો વાયરસ, કોકાઈ વાયરસ અને ફ્લૂ જેવા ઘણા વાયરસથી કન્જેક્ટિવાઇટિસ થાય છે. આંખનો એડીનો વાયરસ ચોમાસાના વરસાદી વાતાવરણમાં વધુ થાય છે. આ વાયરસ થયેલ દર્દીના સંપર્કમાં આવેલ વ્યક્તિને આંખ કે, નાકમાંથી પ્રવેશ કરે છે.
સામાન્ય રીતે એડીનો વાયરસ 5થી 7 દિવસમાં રોગપ્રતિકારક શક્તિ પ્રમાણે મટી જાય છે. દર્દીએ અને તેના સંપર્કમાં રહેતા લોકોએ વધુ વાયરસ ન ફેલાય તેની ખાસ તકેદારી રાખવી જરૂરી હાલના સમયમાં જરૂરી બન્યું છે.