ભરૂચ શહેરના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં અંધજન મંડળ-ભરૂચ દ્વારા આયોજીત શ્રીમદ ભાગવત સપ્તાહનો ગતરોજ પ્રારંભ કરવામાં આવ્યો છે, ત્યારે આ ભાગવત સપ્તાહનો લોકો આગામી તા. 2જી ફેબ્રુઆરી સુધી લાભ લઈ શકશે.
અંધજન મંડળ-ભરૂચ દ્વારા ભરૂચના શક્તિનાથ મહાદેવ મંદિરના પટાંગણમાં શ્રીમદ ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવ્યું છે, ત્યારે ગતરોજ ભાગવત સપ્તાહના પ્રારંભે પોથીયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. જેમાં યજમાન રમેશ પટેલની યજમાની હેઠળ લિંક રોડ સ્થિત શ્રી મોઢેશ્વરી માતાના મંદિરેથી પોથી યાત્રા નીકળી કથા સ્થળ શકિતનાથ ખાતે પહોંચી હતી. આ પોથીયાત્રામાં અંધજન મંડળ-ભરૂચના પ્રમુખ ખુમાનસિંહ વાંસીયા, ઉપપ્રમુખ વિનોદ છત્રીવાલા, પ્રદિપ પટેલ, કનુ પરમાર, મુક્તાનંદ સ્વામી, નરેશ સુથારવાલા, રમેશ પટેલ, માયા અગ્નિહોત્રી સહિતના મહાનુભાવો જોડાયા હતા. આ ભાગવત સપ્તાહમાં મુખ્ય વક્તા ડો. કૃણાલ શાસ્ત્રી પણ પ્રજ્ઞાચક્ષુ છે, અને તેઓ 12 વર્ષની ઉંમરથી કથાનું રસપાન કરાવી રહ્યા છે. અત્યાર સુધી તેઓએ 400થી વધુ કથામાં મુખ્ય વક્તા તરીકે શ્રોતાઓને કથાનું રસપાન કરાવ્યુ છે. ગત તા. 27 જાન્યુ.થી શરૂ થયેલી કથા આગામી તા. 2જી ફેબ્રુ. સુધી નિરંતર ચાલશે, ત્યારે આ કથાનો મોટી સંખ્યામાં ભરૂચ શહેરની જનતા લાભ લે તે માટે અંધજન મંડળ સંસ્થા દ્વારા નિમંત્રણ પાઠવાયું છે.