ભરૂચ શહેરના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે આજરોજ કોરોના ગાઈડલાઈન સાથે ગુરુ પૂર્ણિમાની ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. આ અવસરે ગુરુભક્તોએ ભગવાનના દર્શન અને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી.
દર વર્ષે અષાઢ મહિનાની પૂર્ણિમાના દિવસને ગુરુ પૂર્ણિમા તરીકે ઉજવવામાં આવે છે. માનવામાં આવે છે કે, વેદ વ્યાસજીનો જન્મ પણ આ જ દિવસે થયો હતો. વેદ વ્યાસે જ માનવજાતને ચાર વેદોનું જ્ઞાન આપ્યું હતું. તેથી જ તેમને પ્રથમ ગુરુ માનવામાં આવે છે અને તેમના જન્મની તિથિને વ્યાસ પૂર્ણિમા એટલે કે, ગુરુ પૂર્ણિમા કહેવામાં આવે છે. ભારતીય સંસ્કૃતિમાં ગુરુનો ઈતિહાસ આદિકાળથી ચાલતો આવ્યો છે. આ તહેવાર હિંદુઓ, જૈનો અને બૌદ્ધો દ્વારા પોતાના ગુરુનો આદર અને સન્માન કરીને ઉજવવામાં આવે છે.
શાસ્ત્રોમાં ગુરુને ભગવાન કરતા ઊંચો દરજ્જો આપવામાં આવ્યો છે. કારણ કે, ફક્ત ગુરુ જ ભગવાન સુધી પહોંચવાનો માર્ગ બતાવે છે, ત્યારે આજે ગુરુ પુર્ણિમાના પવિત્ર દિવસે ભરૂચ શહેરના નવાડેરા સ્થિત દત્ત મંદિર ખાતે ભક્તિભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી હતી. જેમાં વહેલી સવારે ગુરુભક્તોએ ભગવાનના દર્શન અને પ્રાર્થના કરી ધન્યતા અનુભવી હતી. તો સાથે જ રાજયભરમાં પણ અનેક સ્થળોએ ગુરુ પુર્ણિમાની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી.