ભરૂચ શહેરના પશ્ચિમ વિસ્તારમાં આવેલ પીરકાંઠીમાં બારેમાસ ઉભરાતી ગટરોના કારણે સ્થાનિકો 365 દિવસ ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા હોવાના આક્ષેપ સાથે વિરોધનો સૂર ઉઠ્યો છે, ત્યારે અહી માર્ગ બિસ્માર હોવાના કારણે ગટરના ગંદા પાણીથી મચ્છરોના ઉપદ્રવથી ભયંકર રોગચાળો ફાટી નીકળવાની દહેશત ફેલાતા પાલિકા સામે લોકો આક્રોશ ઠાલવી રહ્યા છે.
ભરૂચના પશ્ચિમ વિસ્તારમાં નગરપાલિકા દ્વારા RCC રોડ બનાવવા માટેની મંજુરી મળી હોવા છતાં અહી વર્ષોથી RCC રોડ ન બનતા હોવાનો સ્થાનિકોએ આક્ષેપ કર્યો છે. પીરકાંઠી વિસ્તારમાં ઉભરાતી ગટરોના કારણે લોકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો છે. અહીના સ્થાનિકો બારેમાસ ચોમાસાની ઋતુનો અનુભવ કરી રહ્યા છે. અહીના જાહેર માર્ગ પરથી આવતા જતાં બાળકો ખુલ્લી ગટરમાં ખાબકી જતા હોવાના પણ આક્ષેપો થયા છે, પરંતુ ભરૂચ નગરપાલિકાના પેટનું પાણી હલતું નથી.
જેના કારણે સ્થાનિકોમાં પણ આક્રોશ ફાટી નીકળ્યો છે. બિસ્માર માર્ગના કારણે વેપારી વર્ગ પણ પાયમાલ થયો છે. તો સાથે જ ગંદકી અને ઉભરાતી ગટરોના પાણીના કારણે ગ્રાહકો ખરીદી કરવા ન આવતા હોવાથી વેપારીઓને પણ ભારે નુકશાની વેઠવી પડે છે. પાલિકા દ્વારા કાંસની સફાઈ પણ માત્ર દેખાવા પૂરતી જ કરાતી હોવાથી લોકોની સમસ્યા ક્યારે હલ થશે તેવું પણ લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.