ભરૂચ નગર પાલિકા ખાતે બુધવારથી સૂચિત વેરા વધારા સામે આવેલી 3000 જેટલી વાંધા અરજીઓની આજથી સુનાવણી હાથ ધરાઈ હતી.
ભરૂચ પાલિકાના શાસકોએ અગાઉની સામાન્ય સભામાં પાણી, લાઈટ અને સફાઈ વેરો વધારવા સૂચિત વેરા વધારા દરખાસ્ત કરી હતી. એક મહિના સુધી શહેરીજનોની વાંધા અરજીઓ મેળવાઈ હતી. સૂચિત વેરા સામે 3000 લોકોએ વાંધા અરજીઓ કરી હતી. જેની સુનાવણી આજથી હાથ ધરવામાં આવી હતી. જોકે પેહલા દિવસે જ પ્રજાએ પાલિકામાં અવ્યવસ્થાનો સામનો કરવો પડ્યો હતો.મંગળવારે બપોર બાદ અરજદારોને નોટિસો બજાવી આજે સવારે 10.30 કલાકનો સમય અપાયો હતો. પાલિકામાં 200 જેટલા અરજદારો વાંધો રજૂ કરવા પોહચી ગયા હતા પણ 11 કલાક સુધી સત્તાધીશો કે પદાધિકારીઓ દેખાયા ન હતા. કિન્નર સમાજના અગ્રણી કોકિલા માસીએ પાલિકા પર ભારે જનઆક્રોશ ઠાલવ્યો હતો. વિરોધ પક્ષના નેતા સમસાદ અલી સૈયદ, સલીમ અમદાવાદી સહિતે પણ શાસકોની સૂચિત વેરા સામે વાંધા અરજી સાંભળવાની કામગીરી સામે સવાલો ઉઠાવ્યા હતા. ત્રણ દિવસ પહેલા કે 24 કલાક પેહલા વાંધા અરજીની સુનાવણીની જાણ કર્યા વગર લોકોને બોલાવી શાસકો પોતે મનમાની કરી રહ્યાં હોવાના આક્ષેપો કરાયા હતા.