Connect Gujarat
ભરૂચ

ભરૂચ : વાલિયાના રૂંધા ગામે ચાલતા ગેર’કાયદે ચંદન વેચાણના કૌભાંડનો પર્દાફાશ, મૂળ સુરતના દંપત્તિની અટકાયત...

ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે.

X

ભરૂચ જિલ્લાના વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે નેત્રંગ વન વિભાગે દરોડા પાડી ગેરકાયદેસર ચંદનના લાકડા અને પાવડરનું વેચાણ કરતા દંપત્તિની લાખો રૂપિયાના મુદ્દામાલ સાથે અટકાયત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ભરૂચ જિલ્લામાં ખાસ કરી જંગલ વિસ્તારોમાં ગેરકાયદેસર પ્રવૃતિઓને ડામવા માટે ફોરેસ્ટ વિભાગની ટીમો સતત કામગીરી કરી રહી છે. ફોરેસ્ટ હદ વિસ્તારમાં ગેરકાયદેસર લાકડાના કટિંગ હોય કે, અન્ય પ્રવૃતિઓ બાબતે સતત ગુનાખોરીને અંજામ આપતાં તત્વોને કાયદાના પાઠ ભણવવામાં આવી રહ્યા છે. મળતી માહિતી અનુસાર, ભરૂચ જિલ્લાના વિવિધ વિસ્તારોમાંથી છેલ્લા ઘણાં સમયથી સરકારી કે, ખાનગી રહેઠાણ વિસ્તારમાંથી છુટા છવાયા અમૂલ્ય ચંદન ચોરી થવાના અનેક બનાવો સામે આવ્યા હતા. નેત્રંગના હાથાકુંડી મંદિરના વિસ્તારમાં પણ રાત્રીના સમયે તસ્કરો ચંદન ચોરી ગયા હતા, જે મામલાની તપાસ નેત્રંગ ફોરેસ્ટ વિભાગ દ્વારા SOG અને હ્યુમન ઇન્ટેલીજન્સના સંકલનમાં રહી શરૂ કરવામાં આવી હતી. તેવામાં નેત્રંગ ફોરેસ્ટ વિભાગને ચોક્ક્સ બાતમી મળી હતી કે, ચોરી થયેલ ચંદનનો જથ્થો વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતેના એક મકાનમાં હોય, જેથી ફોરેસ્ટના અધિકારીઓ બાતમીવાળી જગ્યાએ દોડી ગયા હતા.

જોકે, વાલિયા તાલુકાના રૂંધા ગામ ખાતે બાતમીવાળા સ્થળે તપાસ કરતાં મૂળ સુરતના કામરેજના વિમલ મહેતાના ઘરેથી ચંદનનો જથ્થો મળી આવ્યો હતો. જે બાદ ફોરેસ્ટ વિભાગ સહિત પોલીસે મામલે વિમલ મહેતાની પૂછપરછ કરતાં ચોંકાવનારા ખુલાસા સામે આવ્યા હતા. ચંદન ચોર વિમલ મહેતા છોટા ઉદેપુરથી લઈ ડાંગ સુધીના વિસ્તારમાં ખેડૂતોના સંપર્કમાં રહી ઓછા ભાવે ચંદન ખરીદી કરી લાવી ગેરકાયદેસર સંગ્રહ કરતો હતો. સાથે સાથે જ્યાં ચંદન ચોરી થાય તે ચંદન ચોરોના સતત સંપર્કમાં રહી ચોરી કરેલ માલ પણ પોતે ખરીદી કરી લેતો હતો, અને જે તે માંગણી મુજબ મશીનરીનો ઉપયોગ કરી ચંદનને વિવિધ સ્વરૂપે સુરત તેમજ આજુબાજુના જૈન મંદિરોમાં વેચતો હતો. કોઈને શંકા ન જાય માટે જ વેચાણ અંગેનું બિલ પણ આપતો હતો. હાલ નેત્રંગ ફોરેસ્ટ વિભાગ તેમજ સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ દ્વારા મૂળ સુરતના દંપત્તિની અટકાયત કરી છે. આ સાથે જ ચંદન ગોળ આખા, ચંદનના ટુકડા, ચિપ્સ, પાવડર, છોલ સહિતની વસ્તુઓ મળી અંદાજીત રૂપિયા 35 લાખ ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.

Next Story