ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામે વિકાસના કામોનું જંબુસરના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું.
ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના અણખી ગામ ખાતે નવ નિર્મિત પ્રાથમિક શાળા બનાવવાનું કાર્ય શરૂ કરવામાં આવ્યું છે, ત્યારે જંબુસર વિધાનસભાના ધારાસભ્ય ડી.કે.સ્વામીના હસ્તે વિકાસ કાર્યનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમની શરૂઆતમાં ધારાસભ્યએ ગાંધીજીને યાદ કર્યા હતા, તેમજ ભણતર એ બીજી આંખ છે, અને ભણતર વગર ક્યારે માણસની કિંમત થતી નથી તેવી વાત વિદ્યાર્થીઓ તેમજ ઉપસ્થિત તમામ ગ્રામજનોને જણાવી હતી. આ સાથે જ વહેલી તકે વિકાસ કાર્યને પૂર્ણ કરી વિદ્યાર્થીઓ નવીન પ્રાથમિક શાળામાં અભ્યાસ અર્થે જાય તેવી વાત જણાવી હતી. આ પ્રસંગે અણખી ગામના ગાંધી આશ્રમ ખાતે જંબુસર તાલુકા મહામંત્રી બળવંતસિંહ પઢિયાર, અજીતસિંહ સિંધા, તાલુકા પંચાયત સદસ્ય નિતીન પટેલ સહિત મોટી સંખ્યામાં આગેવાનો તેમજ ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.