ભરૂચના તવરા ગામ નજીક આદિવાસી માલિકી કબ્જાની ભોગવટાવાળી ખેતીની જમીનમાંથી બાજુમાં નિર્માણ પામી રહેલા નિમિ લક્ઝુરિયર્સના બિલ્ડરોએ ગેરકાયદેસર રસ્તો બનાવી દીધો હોવાના જમીન માલિકે આક્ષેપો કર્યા છે. જોકે, આ મમાલે બિલ્ડરે આ તમામ માલિકોની સહમતિથી રસ્તો બનાવ્યો હોવાનું સહમતિ પત્ર હોવાનું જણાવ્યું હતું.
ભરૂચ તાલુકાના તવરા ગામ નજીક ઠેર ઠેર નવા રહેણાંક મકાનો અને એપાર્ટમેન્ટનું નિર્માણ થઇ રહ્યું છે, ત્યારે એક બિલ્ડરે આદિવાસી ખેડૂતની જમીનમાં મંજૂરી વિના 9 મીટર પહોળો રસ્તો બનાવી દીધો હોવાની ફરિયાદ સામે આવી છે. તવરા ગામના માધુ વસાવાએ કરેલી ફરિયાદ મુજબ તેમની તવરા ગામમાં સર્વે નંબર 281 વાળી જગ્યા આવેલી છે. આ જગ્યામાં નેમિ ઇન્ફ્રાસ્પેશ નામની બિલ્ડર કંપનીએ રસ્તો બનાવી દીધો છે, અને રસ્તો બનાવવા માટે જમીન માલિકની મંજૂરી લીધી ન હોવાનો મૂળ માલિક દ્વારા ગંભીર આક્ષેપ કરવામાં આવ્યો છે.
તો બીજી તરફ, નેમી લઝૂરિયર્સના ભાગીદાર બિલ્ડર જબરસિંહ રાજપુરોહિતે જણાવ્યું હતું કે, જમીનની ખરીદી રસ્તા સાથે કરવામાં આવી છે, અને રસ્તો બનાવવા માટે માલિકોની સહમતીનો પત્ર પણ તેમની પાસે છે. એક તરફ બિલ્ડર દ્વારા જણાવાયું છે કે, તેમની પાસે સહમતી પત્ર છે. તો બીજી તરફ ખેડૂતોનું કહેવું છે કે, તેમને સહમતી આપી હોય તો જે જમીન પર રસ્તો બનાવવામાં આવ્યો છે, તે જમીનનો તેમને એક પણ રૂપિયો વળતર રૂપે ચૂકવવામાં આવ્યો નથી. જોકે, ખેડૂતોને પટાવી ફોસલાવીને તેમની સહીઓ લઇ લેવામાં આવી હોવાનો આક્ષેપ કરી ખેડૂતે જમીન પાછી આપવા માંગ કરી છે.