ભરૂચ શહેરના શક્તિનાથ વિસ્તારમાં આવેલ પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે કેન્દ્રીય કૌશલ્ય વિકાસ અને સૂચના પ્રાદ્યોગિકી રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરની અધ્યક્ષતામાં "યુવા ભારત માટે નવું ભારત" કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું.
ભરૂચના પંડિત ઓમકારનાથ ઠાકુર કલાભવન ખાતે યોજાયેલ યુવા ભારત માટે નવું ભારત કાર્યક્રમમાં ઉપસ્થિત કેન્દ્રિય રાજ્ય મંત્રી રાજીવ ચંદ્રેશખરે જણાવ્યું હતું કે, આગામી એક જ વર્ષમાં ભારતની ડિઝીટલ ઇકોનોમી 1 ટ્રિલિયન ડોલરને આંબી જશે. વડાપ્રધાન નરેન્દ્ર મોદીના સંકલ્પ એવા ભારતને 5 ટ્રિલિયન ડોલરની ઇકોનોમી બનાવવાના સંકલ્પમાં ડિઝીટલ ઇકોનોમીનો હિસ્સો 25 ટકા જેટલો હશે. આગામી 3 વર્ષના સમયમાં ડિઝીટલ ઇકોનોમીમાં સૌથી વધુ યુવાનોને રોજગારી મળશે, તેવું પણ આકલન કરવામાં આવી રહ્યું છે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ગુજરાતમાં વિવિધ ક્ષેત્રમાં સ્ટાર્ટઅપ શરૂ કરવાની વિપુલ તકો રહેલી છે. સેમિ કન્ડક્ટર, સ્પેસ, મટિરિયલ્સ, ડ્રોન, એઆઇ, રિન્યુએબલ એનર્જી અને ઇલેક્ટ્રોનિક્સ કેટેગરીમાં સ્ટાર્ટઅપની વ્યાપક તકો રહેલી છે, ત્યારે "યુવા ભારત માટે નવું ભારત" કાર્યક્રમ દરમ્યાન મહાનુભાવોના હસ્તે જિલ્લા ઉધોગ કેન્દ્ર-ભરૂચ દ્વારા મુદ્રીત નવી ઔધોગિક નીતિ માર્ગદર્શિકા પુસ્તકનું વિમોચન કરવામાં આવ્યું હતું.
આ પ્રસંગે ગુજરાત વિધાનસભાના નાયબ મુખ્ય દંડક અને ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ, જિલ્લા પંચાયત પ્રમુખ અલ્પા પટેલ, ઉચ્ચ શિક્ષણ કમિશ્નર એમ. નાગરાજન, સાંસદ મનસુખ વસાવા, ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારુતિસિંહ આટોદરિયા, જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા તેમજ શિક્ષણ જગતના અગ્રણીઓ સહિત મોટી સંખ્યામાં છાત્રો ઉપસ્થિત રહ્યા હતા.