ભારતીય વાયુ સેનાની 9 એરક્રાફ્ટ ટીમ દ્વારા યોજાયો એર-શો
દહેગામ પાસે એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન
એરક્રાફ્ટ દ્વારા યોજાનાર એર-શોમાં દિલધડક સ્ટંટ જોવા મળ્યા
એર-શોનો ભવ્ય નજારો જોવા માટે ભરૂચવાસીઓનો જમાવડો
નવયુવાનો ભારતીય સૈન્યમાં જોડાય તે માટેનો સ્તુત્ય પ્રયાસ
ભરૂચ જિલ્લા વહીવટી તંત્ર તથા ભરૂચ ડિસ્ટ્રિક્ટ મેનેજમેન્ટ એસોસિએશન અને ભરૂચ સિટીઝન કાઉન્સિલ ટ્રસ્ટના સંયુક્ત ઉપક્રમે રિમોટ કંટ્રોલ્ડ એર મોડલ શો તથા સૂર્યકિરણ ડિસ્પ્લે ભરૂચના દહેગામ નજીક દિલ્હી-મુંબઇ એક્સપ્રેસ-વે ખાતે દિલધડક એર-શોનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતીય વાયુ સેનાની સૂર્યકિરણ ટીમ, જે એશિયાની એકમાત્ર 9 એરક્રાફ્ટ એરોબેટિક ટીમ તરીકે ઓળખાય છે, તેઓ તેમના અદભૂત કૌશલ્યનું પ્રદર્શન કરી આકાશમાં દિલધડક સ્ટંટ કર્યા હતા. સૂર્યકિરણ એર-શો ખાસ કરીને યુવાનોને ભારતીય વાયુ સેના સાથે જોડાવામાં મદદ કરવાની અનન્ય તક પુરી પાડે છે.
તેમજ તે યુવા પેઢીમાં આપણી માતૃભૂમિની સેવા કરવા માટે ભારતીય વાયુ સેનામાં કરકિર્દી બનાવવાનો જુસ્સો જગાડ્યો હતો. તો બીજી તરફ, સૂર્યકિરણ એર-શોના પગલે ભરૂચના દહેજ રોડથી દહેગામ સુધી ભારે ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયા હતા. દિલધડક સ્ટંટને માણવા વડોદરા રેન્જ આઇજી સંદીપ સિંહ, વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા, ભરૂચ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા સહિતના અગ્રણીઓ તેમજ મોટી સંખ્યામાં પ્રજાજનો અને શળા-કોલેજના વિદ્યાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.