ભરૂચ જિલ્લામાં ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ મહિલાઓ માટે આર્શીવાદરૂપ સાબિત થઇ રહી છે. છેલ્લા એક વર્ષમાં મહિલા હેલ્પલાઈનને ૪૩૩૯ કોલ મળતા ૮૭૭ જેટલા કેસમાં રેસક્યું કર્યું છે, ત્યારે આજે વિશ્વ મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી બિરદાવવા લાયક સાબિત થઇ છે.
ગુજરાત રાજ્યની વિશેષતા એ છે કે, પ્રત્યેક બાબતમાં આગવી રીતે પહેલ કરી લોકોને સરળતાથી યોજનાઓનો લાભ પહોચાડી શકાય તેવા અનેક સંવેદનશીલ નિર્ણયો લેવામાં આવ્યા છે. મહીલાઓને ઘરેલું હિંસા સહિત વિવિધ પ્રકારની મુશ્કેલીની બાબતમાં તાત્કાલીક ધોરણે બચાવ, મદદ અને સલાહ ઉપરાંત સરકારની મહિલાલક્ષી યોજનાઓની જાણકારી મળી રહે તે માટે ગુજરાત સરકારના મહિલા અને બાળવિકાસ વિભાગ, ગૃહ વિભાગ, રાજ્ય મહિલા આયોગ અને GVK EMRI દ્વારા સંકલિત રીતે તા. ૮મી માર્ચ ૨૦૧૫ના રોજ આંતરરાષ્ટ્રીય મહીલા દિવસે રાજ્યવ્યાપી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની શરૂઆત કરવામાં આવી હતી.
ભરૂચ જિલ્લામાંથી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનને ૪૩૩૯ જેટલાં સર્વિસ કોલ મળ્યા છે. જેમાં ૮૭૭ જેટલાં કિસ્સામાં અભયમ રેસક્યુંની ટીમ તાત્કાલીક સ્થળ પર પહોંચી પીડિત મહિલાઓના બચાવ અને મદદ પહોચાડી છે. ૫૫૩ કેસોમાં અસરકારક કાઉન્સિલિંગથી સમાધાન કરી પારિવારિક શાંતિ સ્થાપવામાં આવી છે. આ ઉપરાંત ઘરેલું હિંસાના ૨૨૫૨ કેસ, લગ્નજીવનમાં વિખવાદના ૩૦૨ કેસ, ખોવાયેલા અને ભૂલા પડેલા ૧૧ કેસ, માનસિક-શારિરીક હેરાનગતિના ૪૬૪ કેસ, બીનજરૂરી કોલ મેસેજથી હેરાનગતિના ૬૯ કેસ અને કામના સ્થળે જાતિય સતામણીના ૫ કેસ, આત્મહત્યાના વિચારોથી મુક્તિના 10 કેસોને સફળતાપૂર્વક હલ કરવામાં આવ્યા છે, ત્યારે આજે વિશ્વ મહિલા દિવસે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની કામગીરી બિરદાવવા લાયક સાબિત થઇ છે.