ભરૂચ : જંબુસરના નાડા ગામે વૃક્ષારોપણ અને દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો...

New Update
ભરૂચ : જંબુસરના નાડા ગામે વૃક્ષારોપણ અને દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો...

ભરૂચ જિલ્લાના જંબુસર તાલુકાના પૌરાણિક દેવ જગન રામેશ્વર મહાદેવ મંદિર પરિસરમાં જન વિકાસ અને સર્વ જંબુસર દ્વારા વૃક્ષારોપણ અને દરિયા કાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો હતો.

તવર એ દરિયાના ખારાશવાળા વિસ્તારમાં ઉગતી વનસ્પતિ છે, જે વિશ્વના 124 દેશોમાં વિસ્તારીત થઈ છે. ગુજરાતમાં 22% તવરનો વિસ્તાર આવેલ છે. જે દક્ષિણ ગુજરાત, ખંભાતનો અખાત, કચ્છના અખાતમાં જોવા મળે છે. ગુજરાતમાં 1046 ચોરસ કિલોમીટર જેટલો તવરનો વિસ્તાર આવેલ છે. જે દરિયાઈ પર્યાવરણ સુરક્ષા માટે ખૂબ જ ઉપયોગી અને અગત્યનો છે. તવર એ દરિયા કિનારાની જમીનનું રક્ષણ કરવામાં મહત્વનો ભાગ ભજવે છે. તવરના થડમાં લેપટા અને કરચલા દરો બનાવી રહે છે. તવરના પાન પશુચારા તરીકે ઉપયોગી છે. તવરના પ્લાન્ટેશનથી પર્યાવરણને મોટો ફાયદો થાય છે.

તવરના વાવેતર, ઉછેર, અને સંરક્ષણમાં લોકો સહભાગી બને તો રક્ષા કવચ જેવું આ જંગલ ઝડપથી વિકસે છે. તે હેતુથી એ.એમ.એન.એસ. કંપની હજીરા તથા સર્વા જંબુસરના સહયોગથી જન વિકાસ અને દેવ જગન પર્યાવરણ સમિતિના પ્રયત્નોથી દેવજગન પરિસરમાં વૃક્ષારોપણ તથા દરિયાકાંઠે તવર રોપણી કાર્યક્રમ યોજાયો હતો. જેમાં કંપની સીએસઆર હેડ કિરણ સિંધા, પર્યાવરણ હેડ શંકરભાઈ, સેફટી હેડ સારંગભાઈ સહિત સર્વા ટીમ જેસંગ ઠાકોર, મનોજ દાણી, ફરજાના કાદરી, ઉપસ્થિત રહ્યા હતા.

આ પ્રસંગે ઉપસ્થિતો દ્વારા વૃક્ષો તથા દરિયાઈ વનસ્પતિ તવર અંગે સવિસ્તાર માહિતી આપી તેના ફાયદા સમજાવ્યા હતા. આમંત્રિત મહેમાનોએ મંદિર પરિસરમાં વૃક્ષારોપણ તથા દરિયાકાંઠાની મુલાકાત લીધી હતી. આ પ્રસંગે નાડા ગામ સરપંચ કલ્પેશ દેસાઈ, તાલુકા પ્રમુખ બાલુ ગોહિલ, આદિવાસી મોરચા પ્રમુખ શ્રવણ રાઠોડ, કાલિદાસ રાઠોડ સહિતના ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા.

Latest Stories