ભરૂચના જંબુસર તાલુકા વિકાસ અધિકારીએ તેમના તાબામાં આવતી 70 ગ્રામ પંચાયતોમાં આકસ્મિક ચેકીંગ હાથ ધર્યું હતું જેમાં ગરરહાજર તલાટીઓને નોટિસ ફટકરાવામાં આવી છે.
ગામનો વહીવટ સંભાળવા માટે તલાટીની નિમણૂંક કરવામાં આવે છે પરંતુ ભરૂચના જંબુસર તાલુકામાં આવેલી અમુક પંચાયતોમાં તલાટીઓ ગેરહાજર રહેતા હોવાની માહિતી તાલુકા વિકાસ અધિકારી હાર્દિકસિંહ રાઠોડને મળી હતી.જેથી ટીડીઓએ શુક્રવાર- શનિવારના રોજ ખાનગી વાહનમા પંચાયતોની આકસ્મિક વિઝીટ લીધી હતી.આ આકસ્મિક વિઝીટ દરમિયાન ડાભા, સામોજ,નોંધણા,પાચકડા,ઠાકોરતલાવડી અને ઉંમરા ગામ પંચાયતના તલાટી ગેરહાજર હતા.જેમાં ગેરહાજર તલાટીઓને નોટિસ આપી એક દિવસનો પગાર કાપી તેમના સર્વિસ બુકમાં નોંધ કરવામાં આવી છે. અત્રે ઉલ્લેખનીય છે કે,ટીડીઓની આકસ્મિક વિઝિટથી ફરજમાં ગેરહાજર રહેતા તલાટીઓમાં ફફડાટ ફેલાઈ ગયો છે.