ભરૂચ જિલ્લાના ઝઘડીયા GIDCમાં કેટલીક વાર હવા પ્રદૂષણ, ઘન કચરા પ્રદૂષણ તથા વરસાદી કાંસ વાટે ગેરકાયદેસર રીતે સંગ્રહ કરેલ કેમિકલયુક્ત પાણી જાહેરમાં છોડવાની ઘટનાઓ બનતી રહે છે, ત્યારે એજ રીતે ઝઘડીયા GIDCમાં આવેલ NCTLની પ્રદુષિત પાણીની લાઈન જે NCTLના સંપ સુધી જોડે છે, તે લાઈનમાં ભંગાણ સર્જાયું હતું.
ઝઘડીયા GIDCમાં આવેલ KLJ કંપની નજીક NCTLના સંપ સુધી જતી પ્રદુષિત પાણીની લાઈનમાં મોટાપાયે લીકેજ થઈ રહ્યું છે. આ લીકેજ થયાને કલાકો વીતી ગયા બાદ પણ તેનું સમારકામ હાથ ધરવામાં આવ્યું નહોતું. કંપનીની આ લાઈનમાં લીકેજ થયેલ પ્રદૂષિત પાણી જાહેરમાં વરસાદી કાંસમાં વહી રહ્યું હતું, અને વરસાદી કાંસ થકી તે નજીકની ખાડીમાં તથા ખાડી વાટે નર્મદા સુધી પહોચી શકે છે.
જોકે, ઝઘડીયા GIDCથી ખાડી અને નર્મદા નદી સુધી પહોચતા કાંસ વચ્ચે અસંખ્ય ખેતરો અને તળાવો પણ આવેલા હોય છે. જેથી આવા લીકેજના પ્રદુષિત પાણીથી જળચર પશુઓના જીવ સામે ખતરો ઉભો થવાની દહેશત વર્તાઇ રહી છે, ત્યારે આ લીકેજ લાઈનનું જલ્દીથી સમારકામ કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.