ભરૂચ શહેરની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના બાયોલોજી વિભાગે ટેકનોલોજીના ઉપયોગથી વૃક્ષોની માહિતી લોકો સુધી પહોંચે તે માટે અનોખો પ્રયાસ હાથ ધર્યો છે.
વિશ્વમાં દિનપ્રતિદિન નવી ટેકનોલોજી આવી રહી છે. હાલ આપણી આસપાસનો માહોલ પણ ડીજીટલ થઇ ગયો છે. 40 એકરમાં ફેલાયેલા ભરૂચની જે.પી.આર્ટસ એન્ડ સાયન્સ કોલેજના કેમ્પસમાં 125થી વધારે પ્રજાતિના વૃક્ષો છે, ત્યારે આ તમામ વૃક્ષો સાથે કયુઆર કોડ લગાવવામાં આવ્યો છે. આ કોડને મોબાઇલમાં સ્કેન કરતાની સાથે જે તે વૃક્ષ સાથે સંકળાયેલી તમામ માહિતી મળી રહેશે. કોલેજના બાયોલોજી વિભાગના છાત્રોએ આ QR કોડ બનાવી દરેક વૃક્ષ પર લગાવ્યા છે. આચાર્ય ડૉ. એન.બી.પટેલના માર્ગદર્શન હેઠળ બાયોલોજી વિભાગના સ્ટાફે આ કામગીરી પાર પાડી છે, અને આ પ્રકારની સિદ્ધિ મેળવનાર જે.પી.કોલેજ દક્ષિણ ગુજરાતની કોલેજ બની છે. પ્રથમ કેમ્પસમાં આવેલાં વૃક્ષોની આસપાસ QR કોડ જોવા મળી રહ્યા છે. બાયોલોજી વિભાગના વિદ્યાર્થીઓ તો વનસ્પતિઓની વિવિધ પ્રજાતિઓથી સુપેરે વાકેફ હોય છે, પણ અન્ય વિદ્યાર્થીઓ તથા મુલાકાતીઓને પણ વૃક્ષોની માહિતી મળી રહે તે માટે આ QR કોડ લગાવવામાં આવ્યા છે.