/connect-gujarat/media/post_banners/60a424b0c8b41146f18c18cce3d1c2ca479f2ec5c0f9ff4a5411e27bb467cde8.jpg)
ભરૂચ જિલ્લાના કોઠી–વાંતરસા ગામમાંથી પસાર થતા બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરીમાં વચ્ચે આવનાર સરકારી પ્રાથમિક શાળાને તોડી નવી શાળા બનાવી આપવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓના વચન બાદ પણ આજદિન સુધી નવી શાળા નહીં બનાવી અપાતાં ગ્રામજનોએ કલેક્ટર કચેરી ખાતે આવેદન પત્ર આપી રજૂઆત કરી હતી.
દેશના વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટની કામગીરી તેજ ગતિએ ચાલી રહી છે. આ પ્રોજેક્ટની કામગીરી કોઠી–વાંતરસા ગામમાંથી પસાર થતાં ખેડૂતોની જમીન સંપાદન કરવામાં આવી હતી. જેમાં સરકારી પ્રાથમિક શાળા પણ વચ્ચે આવતી હોય, જેથી આ શાળાને પણ તોડી વિદ્યાર્થીઓનો અભ્યાસ ન બગડે તે માટે શાળાને ધાર્મિક સંસ્થામાં શીફ્ટ કરવામાં આવી હતી. આ ઉપરાંત નવી શાળા બનાવી આપવા બુલેટ ટ્રેન પ્રોજેક્ટના અધિકારીઓએ ગ્રામજનોએ વચન આપ્યું હતું. પરંતુ આજદિન સુધી નવી શાળા નહીં બનાવી અપાતાં શાળાના અંદાજે 200 બાળકોના અભ્યાસને અસર પહોચી છે, જ્યારે શિક્ષણ વિભાગ તરફથી પાછલા 6 મહિનાથી જે શાળા કામચલાવ રીતે ગામના ધાર્મિક શિક્ષણ આપતી સંસ્થાના મકાનમાં ચાલે છે. તેનું ભાડું પણ ચૂકવવામાં આવ્યું નથી. જે અંગે ગ્રામજનોએ બુલેટ ટ્રેન પ્રોજેક્ટની મુખ્ય કચેરીએ જઈ રજૂઆત કરતા ત્યાનાં જવાબદાર અધિકારીઓએ જણાવ્યુ હતું કે, કોઠી–વાંતરસા ગમની શાળાના બિલ્ડીંગને બનાવી આપવા માટે તેમના તરફથી બેંક એકાઉન્ટમાં ચેક જમા કરવવામાં આવ્યો છે. તેમ છતાં વહીવટી તંત્ર દ્વારા વિદ્યાર્થીઓ માટે નવી શાળા બનાવવા કામગીરી નહીં કરાતા ગ્રામજનોમાં રોષ જોવા મળ્યો છે.