ભરૂચના વાગરાના ધારાસભ્ય અને જિલ્લા ભાજપ પ્રમુખે રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાભરના ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે યોજેલી બેઠકમાં 500 થી વધુ આગેવાનોએ જોડાય રાષ્ટ્રહિતમાં કોઈની ખોટી વાતોમાં નહિ ભરમાઈ મોદી સરકારનો હાથ મજબૂત કરવા કટિબદ્ધતા બતાવી હતી.
ભરૂચની રાજપૂત છાત્રાલય ખાતે જિલ્લાના તમામ 9 તાલુકાના રાજપૂત ક્ષત્રિય સમાજના આગેવાનો સાથે ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાની ઉપસ્થિતિમાં ભાજપની બેઠક યોજાઇ હતી. રાજપૂત સમાજના જિલ્લાના 500 થી વધુ શ્રેષ્ઠીઓએ ક્ષત્રિય સમાજના ભાજપ જિલ્લા અધ્યક્ષ અને વાગરાના ધારાસભ્ય દ્વારા આયોજિત આ ટૂંકાગાળાની નોટિસમાં મળેલા સંમેલનમાં ભરૂચ જિલ્લામાં મનસુખ વસાવા અને મોદીને સહકાર આપવા હુંકાર કર્યો હતો.ભરૂચ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયાએ જિલ્લાના ક્ષત્રિય આગેવાનોને આવકાર આપી તેઓને સમાજ અને રાષ્ટ્રહિતમાં મોદી સરકારના હાથ મજબૂત કરવા અનુરોધ કર્યો હતો. ભરૂચ જિલ્લા ભાજપની વહીવટી પાંખમાં આજે તેઓ સાથે ધારાસભ્ય અરૂણસિંહ સહિત સંગઠન, જિલ્લા, તાલુકા પંચાયતો સહિતમાં રાજપૂત સમાજને સ્થાન મળ્યું છે ત્યારે કોઈની ખોટી વાતોમાં ભરમાઈ નહિ જવા અપીલ કરી હતી. ભરૂચના વાગરાના ધારાસભ્ય અરૂણસિંહ રણા તેમજ જિલ્લા ભાજપ પ્રમુખ મારૂતિસિંહ અટોદરિયા દ્વારા ક્ષત્રિય સમાજના આગેવાનોને કોંગ્રેસ-આપની ખોટી વાતોમાં નહિ આવવા હિમાયત કરી હતી. ભરૂચ જિલ્લા રાજપૂત સમાજના શ્રેષ્ઠીઓ કિશન પરમાર, સંજયસિંહ સિંધાએ બેઠકમાં ભરૂચ જિલ્લા ક્ષત્રિય સમાજ મનસુખ વસાવા અને મોદીજીની સાથે હોવાનું સમર્થન આપ્યું હતું.